પક્ષે મનાવવા કરેલા પ્રયાસ છતાં નિર્ણય ઉપર અડગ: નવો પક્ષ રચે તેવી પણ શક્યતા
નવીદિલ્હી,
તા.2: તામિલનાડુ ભાજપાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ જેની આશંકા હતી એ પગલું
ભરતા આજે પક્ષમાંથી રાજીનામું આપી દીધું. તેમણે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને
પાંચ પાનાનું રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ અન્નામલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ સાથે પણ મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ ચેન્નઈ માટે રવાના થઈ ગયા હતા.
સૂત્રોના
જણાવ્યા અનુસાર, નીતિન નવિન અને સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ સાથે થયેલી બેઠકમાં અન્નામલાઈએ
સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાર્ટીથી અલગ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કહ્યું
કે હવે તેઓ પોતાનો માર્ગ જાતે નક્કી કરવા માંગે છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે
ભાજપ નેતૃત્વ અન્નામલાઈને રોકવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને તેમને રાષ્ટ્રીય સ્તરે
કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવતી હતી. તેમને આગામી
સૂચના ન મળે ત્યાં સુધી દિલ્હી ન છોડવાની સલાહ પણ આપવામાં આવી હતી. જો કે તેઓ પોતાનાં
નિર્ણય ઉપર અડગ રહ્યા છે અને પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે.