• મંગળવાર, 31 માર્ચ, 2026

હથિયાર ઉપાડશે તેનો હિસાબ ચૂકતે થશે: અમિત શાહ

સંસદમાં નક્સલવાદની ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રીએ કહ્યું, લોકતંત્રમાં અન્યાયનાં નામે હથિયાર ઉપાડવા અસ્વીકાર્ય

મોદી સરકારમાં નક્સલગ્રસ્ત વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો

નવી દિલ્હી, તા. 30 : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નક્સલવાદ ઉપર સખત ચેતવણી આપતા કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદીની સરકાર છે, જે હથિયાર ઉપાડશે તેનો હિસાબ ચૂકતે કરવામાં આવશે. તેમણે નક્સલવાદીઓને અપીલ કરી હતી કે હથિયાર છોડીને મુખ્ય ધારામાં સામેલ થાય. આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે હથિયાર લઈને નિર્દોષો ઉપર હુમલા કરનારા કોઈની સાથે મોદી સરકાર વાત કરવા માગતી નથી. જે હથિયાર છોડીને આત્મસમર્પણ કરવા માગે છે તેના માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. જો કે હિંસાનો રસ્તો અપનાવનારાને આકરી કાર્યવાહીનો સામનો કરવો પડશે.

સંસદમાં નક્સલવાદ ઉપર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે નક્સલવાદથી હથિયાર ઉઠાવનારાને, આદિવાસીઓને કે સુરક્ષા કર્મચારીઓને ફાયદો થતો નથી. માત્ર શાંતિ અને વિકાસ જ પ્રગતિનો રસ્તો છે. ચર્ચાનો જવાબ આપતા ગૃહ મંત્રીએ કહ્યું હતું કે દેશમાં વામપંથી ઉગ્રવાદનું મૂળ કારણ ગરીબી કે અન્યાય નહીં પણ એક ખાસ વિચારધારા છે. તેમણે ભાર મૂકીને કહ્યું હતું કે, નક્સલની સમસ્યાનો ઉકેલ લાવવા મોદી સરકાર વિકાસની સાથે સખત સુરક્ષા નીતિ ઉપર ભાર મૂકી રહી છે. આ દરમિયાન શાહે કહ્યું હતું કે મોદી સરકારમાં જે હથિયાર ઉપાડશે તેનો હિસાબ ચૂકતે કરવામાં આવશે. અન્યાયના નામે હથિયાર ઉપાડવા લોકતંત્રમાં સ્વીકાર્ય નથી અને મોદી સરકારમાં આવી કોઈપણ ગતિવિધિ સહન કરવામાં આવશે નહીં. તેમણે આગળ કહ્યું હતું કે, નક્સલીઓએ આદિવાસીઓને ગેરમાર્ગે દોર્યા હતા કે તેઓ અધિકારો માટે લડી રહ્યા છે હકીકતમાં તેઓ એક ખતરનાક વિચારધારાથી પ્રેરિત હિંસા છે. શાહે બસ્તરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે પહેલા આ વિસ્તારમાં લાલ આતંકનાં કારણે વિકાસ પહોંચી શક્યો નહોતો. હવે આ વિસ્તારમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. અમિત શાહે કોંગ્રેસ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે, 70 વર્ષ સુધી આદિવાસી ક્ષેત્ર ઉપેક્ષિત રહ્યા તો દોષ કોનો છે ? મોદી સરકારના કાર્યકાળમાં નક્સલ પ્રભાવિત વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યો છે. અનુચ્છેદ 370ની સમાપ્તિ, રામ મંદિર નિર્માણ જેવા મોટા નિર્ણયો બાદ હવે નક્સલ મુક્ત ભારત પણ મોદી સરકારના કાર્યકાળમાં હકીકત બનવા જઈ રહ્યું છે.

ગૃહ મંત્રીએ સંસદમાં સુરક્ષા દળોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નક્સલવાદ અને ઉગ્રવાદના ખાત્માનો પૂરો શ્રેય અર્ધસૈનિક દળો, ખાસ કરીને કોબરા બટાલિયન, સીઆરપીએફ, રાજ્યોની પોલીસ અને

સ્થાનિક આદિવાસીઓને જાય છે. તેમણે અમુક વિપક્ષી સભ્યો ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે શહીદ ભગતસિંહ અને ભગવાન બિરસા મુંડા જેવી મહાન હસ્તીઓની સરખામણી નક્સલીઓ સાથે કરવી અયોગ્ય છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક