• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

અઠવાડિયામાં રૂ.836 કરોડનો ચરસ-ગાંજા સહિતનો જથ્થો પકડાયો

ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા રાજ્ય સરકારે જંગ છેડી છે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અમદાવાદ, તા.9: ગુજરાતમાંથી ડ્રગ્સના દૂષણને ઉગતું જ ડામી દેવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામે મક્કમતાથી આરપારની લડાઈ લડવા સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે ત્યારે ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન જ નહીં, જંગ છેડી દીધી છે. છેલ્લા એક અઠવાડીયામાં એટલે કે તા.1લી ઓગષ્ટથી તા.7મી ઓગસ્ટ સુધીમાં ગુજરાત પોલીસે અલગ અલગ 9 સ્થળે દરોડા પાડીને રૂા.836.36 કરોડની કિંમતનો ચરસ, ગાંજો અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ સહિતનો મુદ્દામાલ સીઝ કરી 14 આરોપીઓ સામે નાર્કોટીક્સના ગુના દાખલ કર્યા છે.

તેમણે કહ્યું કે એક અઠવાડીયામાં અલગ અલગ સ્થળોએ ગુજરાત પોલીસની વિવિધ ટીમોએ પાડેલા દરોડામાં પકડાયેલા ડ્રગ્સમાં ચરસ, ગાંજો, લિક્વીડ મેફેડ્રોન (એમ.ડી) અને ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટનો સમાવેશ થાય છે. જેમાં એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ (એ.ટી.એસ) દ્વારા બે અલગ અલગ દરોડામાં રૂા.831 કરોડથી વધુ કિંમતના ટ્રામાડોલ લિક્વીડ ટેબ્લેટ (1410 લીટર) તથા લિક્વીડ મેફેડ્રોન (એમ.ડી)ના 793.232 કિલોના જથ્થા સાથે સાત આરોપીઓને પકડી આ ડ્રગ્સના આકાઓ સુધી પહોંચવા ડિટેઈલ ઈન્વેસ્ટીગેશન શરૂ કર્યું છે.

ઉપરાંત અમદાવાદ શહેર, પશ્ચિમ કચ્છ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ અને સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા રૂ.2.38 લાખના ગાંજાના 25.632 કિલો મુદામાલ સાથે 7 આરોપીને પકડી તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોરબંદર અને ગીર સોમનાથ ખાતેથી પોલીસ દ્વારા રૂ.5.32 કરોડથી વધુ કિંમતના 12.041 કિલો ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક