વિક્ટરી સિનેમા પાછળની દુકાનમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા : 3 લાખ રોકડા અને બાઇક લઈ હત્યારાઓ ફરાર
ગોંડલ, તા.28:ગોંડલના વિક્ટરી
સિનેમા પાછળ ચુનારા શેરીમાં આવેલી મહાવીર ટ્રેડર્સમાં શુક્રવારે મોડી રાત્રે અજાણ્યા
શખ્સોએ ઘૂસી વેપારીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. હત્યારાઓ દુકાનમાંથી
રૂ.3 લાખ રોકડા અને બહાર પાર્ક કરેલું મોટરસાઇકલ મળી કુલ રૂ.3.20 લાખની મત્તા લૂંટી
ફરાર થઈ ગયા હતા.
કે.વી. રોડ પર અરુણ કોલોનીમાં
રહેતા ભરતાસિંહ નાનભા ડાભી રાત્રે આશરે 11:45 વાગ્યે દુકાનમાં એકલા હતા ત્યારે આ બનાવ
બન્યો હતો. જાણ થતાં તેમના ભાઈ રણજીતાસિંહ દુકાને દોડી ગયા હતા. ત્યાં ભરતાસિંહ લોહીલુહાણ
હાલતમાં મળી આવતાં 108ની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા. દુકાનમાં તપાસ કરતાં રોકડ
ભરેલો થેલો અને બાઇક ગાયબ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદ
પરથી એ-ડિવિઝન પોલીસે હત્યા અને લૂંટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પી.આઈ જે.આર. ઝાલાએ
તપાસ હાથ ધરી છે.