આપાગીગાના ઓટલા પાસે પુરપાટ કારની ટક્કરે બે મહિલાનાં કરુણ મૃત્યુ , એક પુરુષ ઈજાગ્રસ્ત: અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિકજામ
ચોટીલા, તા.28:ચોટીલા-રાજકોટ
હાઈવે પર આપાગીગાના ઓટલા પાસે ઓડી કારની અડફેટે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-દીકરીનાં
કરુણ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે એક પુરુષ ઈજાગ્રસ્ત થતાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા. પ્રસાદ લેવા માટે રોડ ક્રોસ કરી રહેલા પરિવાર પર કાળ બનીને આવેલી કારે ટક્કર
મારતાં ક્ષણવારમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, સાબરકાંઠા
જિલ્લાના ખેડબ્રહ્માનો પરિવાર કુવાડવા કોલેજમાં અભ્યાસ કરતા સભ્યની ડિગ્રી લેવા આવ્યો
હતો. ત્યારબાદ આપાગીગાના ઓટલા પાસે કાર પાર્ક કરી પરિવારના સભ્યો પ્રસાદ લેવા રોડ ક્રોસ
કરી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી ઓડી કારે અડફેટે લીધા હતા. અકસ્માતમાં અર્ચનાબેન
અશ્વીનકુમાર જોષી (ઉ.વ.48) અને નયનાબેન વસંતકુમાર દીક્ષિત (ઉ.વ.70)નાં મૃત્યુ નીપજ્યાં
હતાં. જ્યારે વિકાસકુમાર વસંતલાલ દીક્ષિતને ઈજા પહોંચતાં રાજકોટ ખસેડાયા હતા.અકસમાતને
પગલે લોકોનાં ટોળાં એકત્ર થતાં હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ
અકસ્માત સર્જનાર ઓડી કાર લોધીકાના રામજીભાઈ જેઠાભાઈ પાદરિયાની હોવાનું જાણવા મળ્યું
છે.