ક્નલિયા
11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
રાજકોટ
તા.22: ગુજરાતમાં હવે ધીમે ધીમે શિયાળાની શરૂઆતના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજ્યના વિવિધ
વિસ્તારોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ કરીને ઉત્તર
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ
રહ્યો છે. જોકે, બપોરના સમયે સૂર્યના આકરા તાપને કારણે ગરમીનો અહેસાસ યથાવત રહેતાં
રાજ્યમાં અત્યારે બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન
વિભાગ મુજબ, કચ્છનું નલિયા 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 12.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 12.7 ડિગ્રી અને અમરેલીમાં
12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ આંકડા પરથી રાજ્યમાં ઠંડીની ધીમે ધીમે અસર
વધતી હોવાના સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ, બપોરના તાપમાનમાં હજુ ખાસ ઘટાડો જોવા મળ્યો
નથી. સુરતમાં 34.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે.
સૌરાષ્ટ્રના
મહુવામાં 34.2 ડિગ્રી અને રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન નોંધાતાં બપોરે ગરમીનો અનુભવ
યથાવત્ રહ્યો છે.
સૌરાષ્ટ્ર
અને કચ્છમાં વહેલી સવારે ઠંડીનો અહેસાસ
સૌરાષ્ટ્રના
વિવિધ શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની અસર જોવા મળી રહી છે. અમરેલીમાં 12.8
ડિગ્રી, રાજકોટમાં 13.6 ડિગ્રી, પોરબંદરમાં 14.1 ડિગ્રી અને મહુવામાં 14.3 ડિગ્રી લઘુત્તમ
તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં તાપમાનનો પારો 11 ડિગ્રી સુધી ગગડતાં વહેલી સવારે
ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બન્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો
છે. ગાંધીનગરમાં 12.3 ડિગ્રી અને ડીસામાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.5 ડિગ્રી રહ્યું છે.