• સોમવાર, 16 નવેમ્બર, 2026

વિસાવદર નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત, બે સગીરનાં મૃત્યુ

ક્ષ          કુબા રાવણી ગામ પાસે મેંદરડા તરફ જતાં બાઈકને કારે અડફેટે લીધું : 15 અને 16 વર્ષના માસીયાઈ ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોતથી પરિવારમાં કલ્પાંત

 

વિસાવદર,જુનાગઢ,તા.15:જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામ પાસે કાર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતાં બે સગીર માસીયાઈ ભાઈઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. બંને સગીરો બાઈક પર સવાર થઈને કુબા ગામથી મેંદરડા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે બંનેને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ કરુણાંતિકા સર્જાઈ હતી.

આ અકસ્માતમાં 15 વર્ષીય વિરાજગીરી અતુલગીરી અને 16 વર્ષીય જેનીલગીરી બ્રિજેશગીરીનું મૃત્યુ થયું હતું. બનાવ સમયે આસપાસના લોકોએ બંને સગીરોને બચાવવા પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. કારચાલકની ભૂમિકા અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. એકસાથે બે માસીયાઈ ભાઈઓનાં મૃત્યુના સમાચારથી બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કુબા રાવણી સહિત આસપાસના વિસ્તારોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક