• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

હનુમાન ખીજડિયામાં દીપડાનો આતંક : રહેણાક વિસ્તારમાં શ્વાનનો શિકાર ગ્રામજનોમાં ફફડાટ

વડિયા, અમરેલી, તા.19 : અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના હનુમાન ખીજડિયા ગામમાં દીપડાની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગામના ભુવાવાડી નજીક આવેલા રહેણાક વિસ્તારમાં મોડી રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. શિકારની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, દીપડો ગામની શેરીમાં આવી પહોંચ્યો હતો અને ત્યાં સૂતેલા શ્વાનને નિશાન બનાવી તેનો શિકાર કર્યો હતો. માનવ વસાહતમાં દીપડાની હાજરી સામે આવતાં સ્થાનિકો, ખેડૂતો અને ખેતમજૂર પરિવારોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ હનુમાન ખીજડિયા ગામમાં ખેતમજૂર પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટનાની ચિંતા હજી ઓછી થઈ નથી, ત્યાં ફરી રહેણાક વિસ્તારમાં દીપડાએ મારણ કરતાં ગ્રામજનોમાં ભય વધ્યો છે. છ મહિના પહેલાં પણ ગામના પાદર વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો.

ગામ અને આસપાસના ખેતરોમાં દીપડાની અવરજવરથી ખેડૂતો, ખેતમજૂરો, માલધારીઓ અને સ્થાનિક પરિવારોની સુરક્ષાનો પ્રશ્ન ઊભો થયો છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા, વિસ્તારમાં સતત દેખરેખ રાખવા અને જરૂરી સુરક્ષાત્મક પગલાં ભરવા વનવિભાગ સમક્ષ માગ કરી છે. હાલમાં વડિયા વિસ્તારની વન્યજીવ સંબંધિત કામગીરી લીલિયા વાઇલ્ડલાઇફ હેઠળ આવતી હોવાથી અહીં વન્યજીવ વિભાગની કચેરી શરૂ કરવાની માગ પણ ઊઠી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક