• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

સોનાની દાણચોરીનાં નેટવર્કનો પર્દાફાશ, 19.41 કરોડનું સોનું જપ્ત

અમદાવાદ અને સુરત એરપોર્ટથી સોનાની તસ્કરી, વડોદરામાં સોનાને ગાળીને પેસ્ટમાં રૂપાંતરિત કરાતું હોવાનું ખૂલ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.19: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગુજરાતમાં વિદેશી સોનાની દાણચોરી સાથે જોડાયેલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ડીઆરઆઇ દ્વારા આ કેસમાં કુલ 13.017 કિલો સોનાના વ્યવહારો તપાસ હેઠળ હોવાનું જણાયું છે. સોનાની બજાર કિંમત મુજબ જપ્ત સોનાના જથ્થાનું મૂલ્ય રૂ. 19.41 કરોડ થાય છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 અધિકારીઓ તેમની પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં અમદાવાદ અને સુરત એરપોર્ટ મારફતે વિદેશી સોનું રાજ્યમાં લાવવામાં આવતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. સોનાની દાણચોરીનું આ નેટવર્ક અત્યંત સુનિયોજિત રીતે ચલાવવામાં આવી રહ્યું હોવી વિગતો પ્રાપ્ત થઈ છે.

 આ કાળો કારોબાર દુબઈ સ્થિત એક ફાયનાન્સરના સહયોગથી સક્રિય રીતે ચાલતો હતો. વિદેશથી લાવવામાં આવતું સોનું રાજ્યમાં   હવાઈ માર્ગે ઘૂસાડવામાં આવતું હતું. દાણચોરો દ્વારા અમદાવાદ એરપોર્ટ મારફતે સોનું દેશમાં લાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત સુરત એરપોર્ટ મારફતે પણ વિદેશી સોનું નિયમિત રીતે તસ્કરી કરીને લાવવામાં આવતું હતું. સોનાની દાણચોરી માટે સિન્ડિકેટ દ્વારા અવનવી અને ચાલાકીભરી પદ્ધતિઓ અપનાવવામાં આવતી હતી. તસ્કરો દ્વારા ખાસ કરીને સોનાના વાયર બનાવીને તેની હેરાફેરી કરવામાં આવતી હતી. મુસાફરોની ટ્રોલી બેગમાં છૂપાવીને પણ સોનાની તસ્કરી કરવામાં આવી રહી હતી. ગોલ્ડ પેસ્ટના સ્વરૂપમાં પણ વિદેશી સોનું સરળતાથી અંદર લાવવામાં આવતું હોવાનું ખૂલ્યું છે.

 દાણચોરીનું આ સોનું ઓગાળવા અને પ્રોસેસ કરવા માટે સ્થાનિક માળખું ઊભું કરાયું હતું. વડોદરામાં ગેરકાયદે સોનું ઓગાળવાનું એક મોટું યુનિટ ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ યુનિટમાં લાવવામાં આવેલા સોનાને ઓગાળીને ચોક્કસ આકારમાં ઢાળવામાં આવતું હતું. બાદમાં આ સોનાને ફરી અમદાવાદ મોકલવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું. અમદાવાદની એક જ્વેલરી શોપ મારફતે આ ગેરકાયદે સોનું વેચવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. સંબંધિત જ્વેલરી શોપ દ્વારા દાણચોરીના સોનાનું બજારમાં વ્યવસ્થિત રીતે વેચાણ કરવામાં આવતું હતું.

 આ સમગ્ર નેટવર્કને ઝડપી પાડવા માટે ડીઆરઆઇની ટીમે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. એજન્સી દ્વારા સતત 42 કલાક સુધી કાર્યવાહી ચલાવવામાં આવી હતી.ડીઆરઆઇએ ત્રણ મુખ્ય આરોપીની કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી છે અને અમદાવાદના જ્વેલરની દુકાનના હિસાબોની ચકાસણી ચાલુ હોવાનું જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક