• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

રિલાયન્સ દ્વારા 6,000થી વધુ કન્યાને નવરાત્રી નિમિત્તે લહાણી અર્પણ

ધનરાજ નથવાણીનાં માર્ગદર્શન હેઠળ 35 ગામનાં 95 ગરબી મંડળમાં લહાણી અપાઈ

જામનગર, તા.18 : ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રી એ શક્તિની આરાધના, આસ્થા, શ્રદ્ધા અને પરંપરાનું પર્વ છે. આ પવિત્ર પર્વ દરમિયાન ગરબાનાં માધ્યમથી મા જગદંબાની આરાધના કરતી દીકરીઓ આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની સાચી સંવાહક છે. આ પરંપરાને સન્માનિત કરવા અને નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા આશય સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીનાં માર્ગદર્શન હેઠળ રિલાયન્સ રિફાઇનરીની આસપાસનાં 35 ગામના 95 જેટલા ગરબી મંડળીમાં ગરબે ઘૂમતી કન્યાઓને નવરાત્રી નિમિત્તે  6,000થી વધુ લહાણી અર્પણ કરવામાં આવી હતી.

નવરાત્રીમાં ગરબા થકી દીકરીઓ માત્ર ધાર્મિક આસ્થા જ વ્યક્ત કરતી નથી પરંતુ પેઢી દર પેઢી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિ, લોકપરંપરા અને સામૂહિક એકતાનાં મૂલ્યોને પણ જીવંત રાખે છે. આ દીકરીઓની ભક્તિ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક જોડાણને બિરદાવવાના ભાવ સાથે રિલાયન્સ પરિવાર દ્વારા છેલ્લાં 30 વર્ષથી અવિરતપણે લહાણી અર્પણ કરીને પરંપરા અકબંધ રાખવાના પ્રયાસને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. દીકરીઓની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને સન્માન આપતી આ સેવાભાવી અને સંસ્કૃતિપ્રેમી પહેલને ગામના આગેવાનોએ હૃદયપૂર્વક આવકારી હતી. તેમણે આ ઉમદા કાર્ય બદલ ધનરાજ નથવાણીને વિશેષ અભિનંદન પાઠવી રિલાયન્સ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જિલ્લાના 12 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ

જામનગર, તા.18 : જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલા અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 12 દરિયાઈ ટાપુઓ છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત છે જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ છે. જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે ત્યારે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા જિલ્લાના આ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષક, મરિન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. જાહેરનામું આગામી તા.11-12-2026 સુધી અમલમાં રહેશે. પ્રવેશ માટે પ્રતિબંધિત ટાપુઓમા ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ તથા બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પિરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, સોસબારી અને ઘાખડી (નોવાડા) તથા ધોરી ક્રિક આ ટાપુઓનો સમાવેશ થાય છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ઈશાન કિશનનો રેકોર્ડ : એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ બાઉન્ડ્રીઝ ફટકારી 2026માં રમેલી 34 મેચોમાં 122 ચોગ્ગા અને 55 છગ્ગા ફટકાર્યા October 19, Mon, 2026