• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

શ્રીલંકન ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે કુસલ મેન્ડિસ

કોલંબો, તા.8: શ્રીલંકા ક્રિકેટમાં નેતૃત્વ પરિવર્તન થયું છે. અનુભવી ઓલરાઉન્ડર ધનંજય ડી સિલ્વાએ અચાનક ટેસ્ટ સુકાની પદ છોડયા બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટોપ-ઓર્ડર બેટ્સમેન કુસલ મેન્ડિસને ટેસ્ટ ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ડી સિલ્વાએ આગામી પેઢીના ખેલાડીઓને તક આપવાના આશય સાથે તાજેતરમાં જ બોર્ડને પત્ર લખીને કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. અન્ય ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનું સુકાન સંભાળી ચૂકેલા મેન્ડિસ હવે પરંપરાગત ટેસ્ટ ક્રિકેટમાં પણ શ્રીલંકન ટીમનું નેતૃત્વ કરતા જોવા મળશે. નવા કેપ્ટન તરીકે કુસલ મેન્ડિસના કાર્યકાળની શરૂઆત પાકિસ્તાનના આગામી પ્રવાસથી થશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના કાર્યક્રમ અનુસાર નવેમ્બર મહિનામાં પાકિસ્તાન સામે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે, જ્યાંથી મેન્ડિસ પોતાની ટેસ્ટ કેપ્ટનશીપ ઇનિંગ્સનો સત્તાવાર પ્રારંભ કરશે. કુસલ મેન્ડિસની કારકિર્દી પ્રભાવશાળી રહી છે. તેણે 75 ટેસ્ટ મેચોમાં 36.36ની સરેરાશથી 4836 રન નોંધાવ્યા છે. ટેસ્ટમાં તેમના નામે 10 સદી અને 23 અડધી સદી નોંધાયેલી છે.

ઇ-પેપરના નવા શુલ્ક