• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશકુમારને પૂર્વ જજોનું સમર્થન

42 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ખુલ્લો પત્ર લખી એસઆઈઆરને ટેકો આપ્યો

નવી દિલ્હી, તા. 8 :  મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ચૂંટણીપંચને નબળું પાડવાના કોઈ પણ પ્રયાસ સામે ચેતવણી આપતાં 42 નિવૃત્ત ન્યાયાધીશોના એક જૂથે એક ખુલ્લો પત્ર લખી એસઆઈઆરને સમર્થન આપ્યું હતું.

એક મીડિયા હેવાલ મુજબ, પૂર્વ જજોએ લખેલા ખુલ્લા પત્રમાં ચૂંટણીપંચ, ન્યાયતંત્ર અને અન્ય બંધારણીય સંસ્થાઓને કથિત રીતે નબળી પાડવા માટે ચાલી રહેલા અભિયાન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયાને પણ સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, કાયદો ચૂંટણીપંચને આ માટે સત્તા આપે છે અને બે દાયકા પહેલાં જ્યારે અગાઉ એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ હતી, ત્યારે કોઈએ પણ તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા ન હતા.

પત્ર પર હસ્તાક્ષર કરનારાઓએ જણાવ્યું હતું કે, તેઓ ભૂતપૂર્વ ન્યાયાધીશો અને બંધારણીય હોદ્દાઓ પર રહી ચૂકેલા નિવૃત્ત અધિકારીઓની ક્ષમતામાં આ પત્ર લખી રહ્યા છે અને તેઓ કોઈ પણ રાજકીય પક્ષનું સમર્થન કરતા નથી. તેમણે નોંધ્યું હતું કે, સંસ્થાઓની ટીકા કરવી એ લોકશાહી અધિકાર છે, પરંતુ તેમણે આક્ષેપ કર્યો હતો કે બંધારણીય હોદ્દા પરના અધિકારીઓને અદાલતમાં આવા આરોપો સાબિત થયા વિના જ ચોર, કઠપૂતળી અને સમાધાનકારી વલણ ધરાવતા (સૈદ્ધાંતિક નિષ્ઠા ગુમાવી બેઠેલા) વ્યક્તિઓ તરીકે ચીતરવામાં આવી રહ્યા છે.

નિવૃત્ત ન્યાયાધીશો અને બંધારણીય અધિકારીઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, કેટલાક કાર્યકર્તા જૂથો પૂરતા પુરાવા વિના અરજીઓ દાખલ કરી રહ્યા છે અને ત્યારબાદ જ્યારે પરિણામો ફરિયાદીઓની તરફેણમાં ન હોય ત્યારે ન્યાયિક ચુકાદાઓની ટીકા કરી રહ્યા છે.

મતદારયાદીની વિશેષ સઘન પુનરાવર્તન પ્રક્રિયાને મંજૂરી આપનારાઓએ જણાવ્યું હતું કે, આ કાર્ય ચૂંટણીના સંચાલન માટેના બંધારણીય અને કાયદાકીય માળખાનો એક ભાગ છે.

લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 21(3)નો ઉલ્લેખ કરતાં તેમણે નોંધ્યું હતું કે, ચૂંટણીપંચ પાસે મતદારયાદીમાં ફેરફાર કરવાની સત્તા છે અને સાથે જ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, ભૂતકાળમાં પણ આવી સઘન પુનરાવર્તન પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.

પત્ર અનુસાર, આ પ્રક્રિયાનો ઉદ્દેશ્ય મૃત વ્યક્તિઓના નામ, બેવડી નોંધણીઓ અને સ્થળાંતર કરી ગયેલા મતદારોના નામ દૂર કરવાનો હતો અને સાથે જ એ સુનિશ્ચિત કરવાનું હતું કે, પાત્ર નાગરિકોનો મતદારયાદીમાં સમાવેશ થાય.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક