રાજકોટ, તા.17: રાજકોટ શહેરમાં
કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. કાલાવડ રોડ
પર આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા અને બ્યુટીપાર્લર ચલાવતા મહિલા સંચાલિકાની
તેમના જ ઘરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે. સવારે ઘરનો દરવાજો ખોલતા જ મહિલાની લોહીલુહાણ
હાલતમાં લાશ મળી આવતા આખો પરિવાર અને આસપાસનો વિસ્તાર સ્તબ્ધ થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં
કોઈ નજીકના પરિચિતે જ આ ગુનાને અંજામ આપ્યો હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી
રહી છે. રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં જ હત્યાની આ બીજી ઘટના બનતા પોલીસ તંત્રમાં દોડધામ
મચી ગઈ છે.
પોલીસ તપાસમાં મૃતક મહિલાની વિગતવાર
ઓળખ સામે આવી છે. મૃતકનું નામ ગીતાબેન કિશોરભાઈ વાજા (ઉં.વ.55) હતું. તેઓ કાલાવડ રોડ
પર આવેલા પોતાના ઘરે એકલા જ રહેતા હતા અને ઘરની નજીક જ બ્યુટીપાર્લર ચલાવીને પોતાનું
ગુજરાન ચલાવતા હતા. ગીતાબેન તેમના પતિ કિશોરભાઈ અને પુત્ર આશિષથી અલગ રહેતા હતા, જ્યારે
તેમનો બીજો પુત્ર જીતુ અમદાવાદમાં રહે છે. પતિ અને પુત્ર અવારનવાર ગીતાબેનના ખબરઅંતર
પૂછવા માટે આવતા-જતા હતા.
સવારે 9 વાગ્યાના અરસામાં તેમનો પુત્ર આશિષ વાજા
માતાના ઘરે પહોંચ્યો હતો. તેણે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે ગીતાબેન લોહીલુહાણ અને બેભાન
અવસ્થામાં જમીન પર પડેલા જોવા મળ્યા હતા. આ દૃશ્ય જોઈને ગભરાઈ ગયેલા આશિષે તાત્કાલિક
108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગીતાબેનની તપાસ
કરી મૃત જાહેર કર્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના
પીઆઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મહિલા એકલા રહેતા હોવાથી હત્યારો
ઘરમાં કેવી રીતે પ્રવેશ્યો અને હત્યા પાછળ પ્રેમ પ્રકરણકે અન્ય કોઈ કારણ જવાબદાર છે
તે પોલીસ તપાસ બાદજ જાણવા મળી શકે છે. હાલ યુનિવર્સિટી પોલીસ અને ક્રાઈમબ્રાંચની ટીમે
મૃતકના પરિવારજનો, મિત્રો અને અન્ય પરિચિતોની સઘન પૂછપરછ શરૂ કરી છે જેથી આ હત્યાનો
ભેદ જલદીથી ઉકેલી શકાય.