હવામાન વિભાગે
સાત દિવસ સામાન્ય વરસાદની શક્યતા દર્શાવી,
અંબાલાલ પટેલે તા.17થી 19 ભારે વરસાદની આગાહી કરી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 16 : ગુજરાતમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવા છતાં આગામી સાત દિવસ વરસાદનું
પ્રમાણ ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદનાં ઝાપટાં
પડવાની શક્યતા છે. જોકે, આગામી ત્રણ દિવસ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન
સાથે ગાજવીજ અને થન્ડરસ્ટોર્મનું એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને આગામી બે દિવસ
દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 38 તાલુકામાં સામાન્ય
વરસાદ નોંધાયો હતો.
બીજી
તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત
કરી છે. તેમના જણાવ્યા મુજબ તા.17થી 19 દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી
ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના
કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 18 અને 19 કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની
સંભાવના તેમણે વ્યક્ત કરી છે.
અંબાલાલ
પટેલના જણાવ્યા મુજબ 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન પણ હવામાનમાં પલટો આવી શકે છે. ત્યારબાદ
ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાતા દબાણને કારણે
ચક્રવાતી સિસ્ટમની શક્યતા રહેવાની તેમણે આગાહી કરી છે. જોકે, લાંબા ગાળાની ચક્રવાતની
આગાહીમાં અનિશ્ચિતતા રહેતી હોવાથી સત્તાવાર હવામાન અપડેટને પ્રાથમિકતા આપવી જરૂરી છે.