• બુધવાર, 25 માર્ચ, 2026

બાળ તસ્કરીનો પર્દાફાશ : નવજાતને અમદાવાદમાં બે લાખમાં વેચ્યું ! અમદાવાદ-રાજસ્થાનના 5 શખસ ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.23: સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફાકિંગ યુનિટે માનવ તસ્કરી કરતી ટોળકીને પકડી પાડી છે. જેમાં ખેડબ્રહ્મા ખાતેથી 9 દિવસના માસૂમ બાળકને બે લાખમાં વેચી દીધું હોવાના રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સંડોવાયેલા પાંચની પોલીસે ધરપકડ કરીને સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે તમામને પકડવાની કવાયત હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફાકિંગ યુનિટને બાતમી મળી હતી કે ખેડબ્રહ્માના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ડાભી નવજાત બાળકોની હેરાફેરી અને તસ્કરીમાં સંડોવાયેલો છે. પોલીસે છટકું ગોઠવી માલજીને મટોડા ગામ પાસેથી ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં માલજીએ કબૂલાત કરી હતી કે તેણે અંદાજે 15 દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક વ્યક્તિને 2 લાખમાં વેચ્યું હતું. આ માહિતીને આધારે પોલીસે તમાસનો ધમધમાટ અમદાવાદ તેમજ રાજસ્થાન સુધી લંબાવ્યો હતો. પોલીસે ત્વરિત પગલાં લઈને આ કેસમાં સંડોવાયેલા પાંચ ઈસમોને દબોચી લીધા હતા. સ્થાનિક, અમદાવાદ અને રાજસ્થાન સુધી આ કેસના તાર જોડાયેલા હોવાનો ઘટસ્ફોટ તપાસમાં થયો હતો. આરોપીઓમાં ખેડબ્રહ્માના માલજી ઉર્ફે માલિયો ડાભી, સુવન ઉર્ફે સોવમ ડાભી, રાજસ્થાનના દેવજી ઉર્ફે દેવા પારધી, લક્ષ્મણ ડાભી અને અમદાવાદના પ્રમોદ રાજવંશીનો સમાવેશ થાય છે. આ ટોળકીએ અગાઉ કેટલા બાળકોના સોદા કર્યા છે. તેમજ તેમનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલાં છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક