(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ,તા.
23: ગુજરાતમાં ઉનાળુ પાકના વાવેતરમાં 13 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. પાણીની સગવડ
ગયા વર્ષની તુલનામાં ઘણી સારી છે અને ખેડૂતોને મગફળી, તલ, કઠોળ સહિતની ચીજોમાં ભાવ
પણ પોસાણક્ષમ મળ્યો હોવાથી ઉત્સાહ વધ્યો છે.
રાજ્યભરમાં
8.37 લાખ હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે. જે ગયા વર્ષમાં આ સમયે 7.39 લાખ હેક્ટર હતી.
મગફળીની
વાવણી 80 ટકા સંપન્ન થઇ ચૂકી છે. રાજ્યભરમાં 45,300 હેક્ટરમાં વાવેતર કરી લેવામાં આવ્યું
છે. જે સરેરાશ 56 હજાર હેક્ટર કરતા હવે 11 હજાર હેક્ટર જેવું પાછળ છે. તલના વાવેતર
86 ટકા પૂરાં થઇ ગયા છે અને 1.02 લાખ હેક્ટરમાં વાવણી છે. ગયા વર્ષ કરતા આશરે 24 હજાર
હેક્ટરનો વધારો થયો છે. તલનું આકર્ષણ ઝાઝું છે, એમાં ય સફેદ કરતા કાળા તલનો વિસ્તાર
વધી ગયો છે.
કઠોળ
બજારના વેપારીઓ માટે પણ સારાં સમાચાર છે કારણકે મગ અને અડદ બન્નેના વાવેતરમાં વધારો
થતો જાય છે. મગનું વાવેતર 50 હજાર હેક્ટર સામાન્ય રીતે થતું હોય છે તે 43 હજાર હેક્ટરને
વટાવી ગયું છે. અડદનું 23 હજાર સરેરાશ સામે 26 હજાર હેક્ટર થઇ ચૂક્યું છે.
ઉનાળુ
બાજરીનો વાવેતર વિસ્તાર પણ વધી ગયો છે. પાછલા વર્ષના 1.49 લાખ સામે 1.71 લાખ હેક્ટર
સુધી પહોંચ્યું છે. જોકે આ વર્ષે તલ, કઠોળ અને મગફળીના વાવેતર વિસ્તાર વધવાને લીધે
બાજરી 3.18 લાખ હેક્ટરની સરેરાશ સુધી પહોંચશે કે કેમ તે સવાલ છે.
ડાંગરનું
વાવેતર 1.26 લાખ હેક્ટર સુધી ગયું છે. જે ગયા વર્ષ જેટલું છે પણ સરેરાશ કરતા 24 ટકા
વધારે રહ્યું છે.
પાછલા
સપ્તાહમાં થયેલા વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં રવી પાકને નુક્સાન થયું છે. જોકે
ઉનાળુ પાકમાં વાવેતરનો સમય ચાલી રહ્યો છે અને પાકને પાણીની જરુર હતી તે કુદરતી રીતે
મળી ગયું છે એટલે રાહત છે. જોકે મહિના પછી વાતાવરણમાં મોટાં ફેરફારો આવે તો તે ઉનાળુ
પાકને અસર કરશે.