શહેરી વિસ્તાર તેમજ જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઇવીએમ દ્વારા જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે
ગાંધીનગર, તા.3 : રાજ્યમાં સ્થાનિક
સ્વરાજની ચૂંટણીઓને લઈ મહત્ત્વપૂર્ણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત સંકેતો મુજબ એપ્રિલનાં
પ્રથમ પખવાડિયાની અંતિમ તારીખોમાં અથવા ત્રીજાં સપ્તાહ દરમિયાન રાજ્યની સ્થાનિક સ્વરાજની
ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ચૂંટણીઓ ત્રણ તબક્કામાં યોજવાની
તૈયારી ચાલી રહી છે. શહેરી વિસ્તારની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ મે મહિનાનાં
બીજાં સપ્તાહમાં યોજાય તેવી શક્યતા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ
મે મહિનાના છેલ્લા સપ્તાહમાં યોજાય તેવી તૈયારી છે જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ
જૂનના પ્રથમ પખવાડિયામાં યોજવા માટેની કવાયત ચાલી રહી છે અને તે પહેલાં સંબંધિત પ્રક્રિયાઓ
પૂર્ણ કરવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે.
સચિવાલયનાં સૂત્રોના જણાવ્યા
અનુસાર, ત્રણ તબક્કાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં
વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી શકે છે. આ સંદર્ભે પંચાયત વિભાગ દ્વારા અલગથી કવાયત
હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ શહેરી વિસ્તારની સંસ્થાઓ
માટે ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જિલ્લા અને તાલુકા પંચાયતો માટે
આ મહિનાના અંત સુધીમાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ પૂર્ણ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની
તૈયારીઓની સમીક્ષા કરવા આગામી સપ્તાહે વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, તેવી
માહિતી ચૂંટણી આયોગનાં સૂત્રોએ આપી છે તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા માટે
મહેકમ ઉભું કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જરૂરી સ્ટાફની નિમણૂક, તાલીમ
તથા જવાબદારીઓનું વહેંચાણ આ માસના અંત સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા
સુચારુ અને પારદર્શક રીતે સંપન્ન થઈ શકે.
હાલ તંત્ર ધીમી ગતિએ ચૂંટણીની
તૈયારીઓમાં વ્યસ્ત છે. શહેરી વિસ્તાર તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ઇવીએમ
દ્વારા યોજાશે જ્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે તેવી માહિતી પ્રાપ્ત
થઈ છે.