• બુધવાર, 04 માર્ચ, 2026

જેતપુર : ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત, બેનાં મૃત્યુ

અકસ્માતમાં ટ્રેલરમાંથી કન્ટેનર જુદું થઈ રોડ નીચે ઉતરતા બન્ને યુવાનોનો ભોગ લેવાયો

જેતપુર, તા.3 : જેતપુરના નવાગઢ ભાદર નદીના પુલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્યાં ઉભેલા એક નિર્દોષ બાઇક ચાલક અને અન્ય એક યુવાનના કમકમાટીભર્યાં મૃત્યુ નિપજ્યાં હતાં.

નવાગઢ ચોકડીથી આગળ ભાદર નદીના પુલ પાસે ગતરાતે શ્રી હરિ ખાનગી ટ્રાવેલ્સની બસ અને મચ્છી ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે ત્યાં સરધારપુર ગામના ભાભલુભાઈ લાલુ કોઈ કારણોસર ઉભા હતા તે આ અકસ્માતની ઝપટે ચડી ગયા અને બીજો ગોંડલનો કરણ નિલેશભાઈ દાણીધારિયા (ઉં. 22) નામનો યુવાન જેતપુર ખાતે પોતાના ભાણેજની પ્રથમ હોળી હોય એટલે તેની વાડ હતી તેમાં આવ્યો હતો અને તે કાર્યક્રમ પૂર્ણ કરી ગોંડલ પોતાનાં ઘરે બાઇક લઈને જતો હતો ત્યારે તે બાઇક ઉભું રાખી હજુ ઉભો જ રહ્યો ત્યાં તે પણ અકસ્માતની ઝપટે ચડી ગયો હતો. અકસ્માતમાં જે ટ્રેલર કન્ટેનર લઈને જતું હતું તેમાંથી કન્ટેનર જુદું થઈ રોડ નીચે ઉતરી ગયું હતું અને રોડ પર બન્ને યુવાનો પણ કન્ટેનરની ઝપટે ચડી ગયા હોય બન્નેનાં શરીરના અવયવો જુદા પડી ગયાં હતાં અને સ્થળ પર જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં હતાં. અકસ્માત સર્જતાં લોકોનાં ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને કન્ટેનર નીચે કોઈ દબાઈ ગયું હોવાની શંકા જતા સ્થળ પર પહોંચેલી પોલીસે કન્ટેનર ઊંચકવા ક્રેઇન બોલાવી હતી અને તેને ઊંચકતા નીચેથી કંઈ મળી આવ્યું ન હતું. અકસ્માતમાં મૃત્યુને ભેટેલા કરણના પિતાનું હજુ થોડા મહિના પહેલાં જ મૃત્યુ નીપજ્યું હતું. બે બહેનોનો એકનો એક ભાઈ હતો તેનું અકસ્માતમાં મૃત્યુ થતા તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ઉદ્યોગનગર પોલીસે બન્ને મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી અકસ્માતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક