• બુધવાર, 04 માર્ચ, 2026

વિવાદિત કીર્તિ પટેલ અને મહંત ઇન્દ્રભારતીના વિવાદનો નાટકીય અંત

હરિહરાનંદ બાપુ, નરેન્દ્રગિરિબાપુ અને ઇન્દ્રભારતીને કીર્તિ પટેલે સાલ ઓઢાડી ભારતી પરંપરા અખંડ છે અને રહેશે તેવો સૂર વ્યક્ત કર્યો

જૂનાગઢ, તા.3 : વિવાદિત કીર્તિ પટેલ અને ભવનાથના મહંત ઇન્દ્રભારતી વચ્ચે વિવાદ સર્જાયો હતો. કીર્તિ પટેલે ઇન્દ્રભારતી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, પરંતુ એકાએક આ વિવાદનો નાટકીય અંત આવ્યો છે. કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદની ઉપસ્થિતિમાં સંતોને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. શિવરાત્રી મેળાની રવેડીમાં સાધ્વીવેશે કીર્તિ પટેલ જોડાઈ મોડી રાતે સાધુ-સંતોની સાથે મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું હતું. ત્યારે મહંત ઇન્દ્રભારતીએ પોલીસને કહી કીર્તિને કુંડમાંથી બહાર કઢાવી હતી. આ સાથે કીર્તિ પટેલ રોષે ભરાઇ હતી અને સોશ્યલ મીડિયાના સહારે ઇન્દ્રભારતી સામે વાણી વિલાસ શરૂ કર્યો હતો. સાત દિવસમાં કિર્તી પટેલ સામે ત્રણ ફરિયાદો નોંધાઈ હતી. આ કાર્યવાહીથી કીર્તિ પટેલ વિવાદ ઉભો કરી કુંડમાંથી બહાર કઢાવનાર ઇન્દ્રભારતી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. સોશિયલ મીડિયામાં ઇન્દ્રભારતી સામે અનેક લોકોએ રોષ ઠાલવ્યો હતો. ઇન્દ્રભારતી બાપુના પૂર્વાશ્રમને ઉજાગર કરાયો હતો. પરિણામે તેમનો સેવક સમુદાય પણ નારાજ થયો હતો. આ પ્રકરણમાં વધુ ખેડ થાય તે પહેલા ઇન્દ્રભારતીએ કીર્તિ પટેલના ગુરુ અને ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરીહરાનંદની મદદથી આ નાટકીય વિવાદનો અંત લાવવામાં સફળ થયા હતા. 

વિવાદિત કીર્તિ પટેલ સામે બાથ ભીડવાને બદલે ઇન્દ્રભારતી બાપુએ ઘીના ઠામમાં ઘી પાડવા માટે પહેલ કરી હોય તેમ જણાય છે. આમ જોઈએ તો ગિરનારના સંતો કીર્તિ પટેલની ઘુંટણીએ પડયા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ સમાધાન પ્રસંગે હરિહરાનંદ બાપુ, નરેન્દ્ર ગીરીબાપુ અને ઇન્દ્રભારતીને કીર્તિ પટેલે સાલ ઓઢાડી ભારતી પરંપરા અખંડ છે અને રહેશે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. હવે કિર્તી પટેલ સાધ્વી વેશે ધારણ કરશે ? તેવો સવાલ ઉઠયો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક