• શનિવાર, 19 જુલાઈ, 2025

અરવલ્લીમાં પશુપાલકોનું આંદોલન ઉગ્ર બન્યું, રસ્તા પર દૂધ ઢોળીને આક્રોશ ઠાલવ્યો

-પશુપાલકોએ સાબર ડેરી વહીવટી તંત્રની નનામી બનાવીને સ્મશાનયાત્રા કાઢી

અમદાવાદ, તા. 15: સાબર ડેરીમાં દૂધના ભાવફેરના મુદ્દે અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનું આંદોલન આજે ત્રીજા દિવસે પણ ઉગ્ર બન્યું છે. પોતાની માગણીઓ સંતોષાતી ન હોવાથી રોષે ભરાયેલા પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને સાબર ડેરી વહીવટી તંત્રની નનામી કાઢી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. હિંમતનગર ડેરી ખાતે થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન પશુપાલકો પર થયેલી પોલીસ ફરિયાદ અને પોલીસ સાથેના ઘર્ષણના વિરોધમાં પશુપાલકોએ પોતાની લડતને વધુ તેજ બનાવી છે.

આ આંદોલનના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં પશુપાલકોએ દૂધ ભરાવવાનું બંધ રાખ્યું છે. સવારથી જ દૂધ મંડળીઓ આગળ મોટી સંખ્યામાં એકઠા થયેલા પશુપાલકો પોતાના ઘરેથી લાવેલું દૂધ મંડળી આગળ જ ઢોળીને સાબર ડેરીના વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. ઇસરોલ અને ઉમેદપુર ગામમાં સ્થાનિકો અને ખાસ કરીને મહિલાઓએ સાબર ડેરી વહીવટી તંત્રની નનામી બનાવીને સ્મશાનયાત્રા કાઢી હતી. ત્યાર બાદ ગામના ચોરે આ નનામીનું દહન કરીને પોતાનો તીવ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પશુપાલકોની મુખ્ય માગણી દૂધના ભાવફેરના મુદ્દે વાજબી નિર્ણય લેવાની અને તેમના પર થયેલી પોલીસ કાર્યવાહી પાછી ખેંચવાની છે.

સાબર ડેરી અને પશુપાલકોના વિવાદમાં આજે ત્રણ-ત્રણ દિવસથી દૂધ બંધ છે. જે મધ્યમવર્ગના પશુપાલકો છે તેમને પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, કેમ કે દૂધના દર દસ દિવસે જે પૈસા મળે એમાંથી ઘરનું સંચાલન થતું હોય છે. આ આંદોલનના ભાગરૂપે જિલ્લાની તમામ દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ડેરીના દૂધ સંગ્રહ અને વિતરણ પર ગંભીર અસર પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક