• શનિવાર, 19 જુલાઈ, 2025

26 સાસંદને ફાળવાયેલા રૂ.254.8 કરોડમાંથી 10.72 કરોડ જ વપરાયા

-દરેક સાંસદને વર્ષ દીઠ રૂ.5 કરોડનું ભંડોળ ફાળવાય છે છતાં કુલ ભંડોળનો માત્ર 4.2 ટકા જ ખર્ચ થયો!

ભરૂચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ 1.73 કરોડ ખર્ચાયા, બીજાક્રમે પાટણ અને ત્રીજાક્રમે સાંબરકાઠા સંસદીય મતક્ષેત્ર

અમદાવાદ, તા. 15: ગુજરાતના 26 સાંસદોના ખઙકઅઉ ફંડ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. 18મી લોકસભાનું ગઠન થયું ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 4.2% બજેટ વપરાયું છે. ગુજરાતના 26 સાંસદને કુલ 254.8 કરોડનું બજેટ ફાળવાયેલું હતું તેમાંથી અત્યારસુધીમાં 10.72 કરોડનો ખર્ચ થયો છે.

માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો અનુસાર એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદા જુદા કામો લઈને જતાં હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8% ફંડ વાપરી શક્યા નથી. 

ગતવર્ષે જૂનમાં 18મી લોકસભાનું ગઠન થયું હતું. ખઙકઅઉ યોજના અંતર્ગત દરેક સંસદ સભ્યને વર્ષ દીઠ રૂ. 5 કરોડનું ભંડોળ તેમના મતવિસ્તારના વિકાસના કામો માટે ફાળવવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતના 26 સંસદ સભ્યોને કુલ 254.8 કરોડ બજેટની ફાળવણી કરવામાં આવી હતી. 5 જુલાઇ 2025 સુધીમાં તેમાંથી કુલ 10.72 કરોડ રૂપિયા, એટ્લે કે માત્ર 4.2%નો જ ખર્ચ થયો છે. ભરૂચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે, 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે.

ઉલ્લેખનીય બાબત એ છે કે, 18 મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં ખઙકઅઉ માંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. સંસદ સભ્યોએ સૂચવેલા કામોની વિગતો જોતાં, નવસારી મતક્ષેત્રમાં સૌથી વધુ એટલે કે 297 કામોની ભલામણ થઈ છે, જ્યારે મહેસાણા મતક્ષેત્રમાં 271 કામની ભલામણ થઈ છે અને ખેડા મતક્ષેત્રમાં 265 કામની ભલામણ કરવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક