• શનિવાર, 19 જુલાઈ, 2025

સાબર ડેરીમાં ઘર્ષણ કેસમાં પૂર્વ MLA જશુ પટેલ સહિત 74 લોકો સામે ફરિયાદ

બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ શિવાભાઈ પટેલ અને ધર્મેન્દ્રાસિંહ નટવરાસિંહ જેતાવત પર લોકોને ઉશ્કેરવાનો આરોપ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા. 15: સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવાના મામલે મોટી સંખ્યામાં પશુપાલકોએ ડેરી સામે દેખાવો કર્યો હતો. પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાયું હતું. જેમાં પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધમાં નામજોગ અને 1 હજાર ટોળા સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખસની અટકાયત કરી છે. 

હિંમતનગરના ડિવિઝનના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, સાબરડેરી ખાતે ભાવફેરને લઈને મોટી સંખ્યામાં એકત્ર થયેલા ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં ટોળા દ્વારા પોલીસ વાહનો, સાબરડેરીના ગેટ, ગ્રીલ સહિત નુકસાન પહોંચાડયું હતું. આ ઉપરાંત ટોળાએ પથ્થરમારો કરતાં કેટલાક પોલીસકર્મીને ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના દરમિયાન અશોકભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ, બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ શીવાભાઈ પટેલ અને ધર્મેન્દ્રાસિંહ નટવરાસિંહ જેતાવત પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરાપિંડી કરી હોવાને લઈને જશુભાઈ અને ધર્મેન્દ્રાસિંહે સોશિયલ મીડિયા મેસેજ ફેલાવ્યા હતા અને 14 જુલાઈના રોજ સાબર ડેરી ખાતે એકઠા થવા લોકોને ઉશ્કેર્યા હોવાની ફરિયાદ નોંધાવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક