ખેતમજૂરી
કરવા આવેલા મધ્યપ્રદેશના મજૂર પરિવાર ઉપર થયો વજ્રઘાત
(ફૂલછાબ
ન્યુઝ)
પોરબંદર,
તા.15: પોરબંદર નજીકના કોટડા ગામે વાડી વિસ્તારમાં ઘોડિયામાં સુતેલા બે માસના બાળકને
ચાર શ્વાને ફાડી ખાતા ખેતમજૂર પરિવાર પર વજ્રઘાત થયો છે.
બનાવની
વિગત એવી છે કે હાલમાં પોરબંદરના ગ્રામ્યપંથકમાં મોટી સંખ્યામાં ખેતમજૂરો મધ્યપ્રદેશથી
મજૂરી કામ માટે આવ્યા છે અને કુતિયાણા પંથકમાં મોટી સંખ્યામાં ખેડૂતોને ત્યાં ખેતીકામ
માટે એમ.પી.ના શ્રમિકો કામ કરી રહ્યા છે ત્યારે કોટડા ગામે એક વાડી માલિકને ત્યાં મધ્યપ્રદેશનો
પરિવાર ખેતમજૂરી માટે આવ્યો હતો અને વિશાલ મહેશ વાડકિયા નામનો બે મહિનાનો બાળક ઘોડિયામાં
બપોરના સમયે સૂતો હતો. પરિવારજનો ખેતરમાં કામ કરતા હતા, ત્યારે અચાનક જ ચાર જેટલા શ્વાન
ત્યાં પહોંચી ગયા હતા અને ઘોડિયામાં સૂતેલા માસૂમ બાળકને બટકા ભરવાનું શરૂ કર્યુ હતું.
કુમળી વયનો આ બાળક મરણચીસો પાડવા લાગતા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને ચાર જેટલા શ્વાને
દૂર ભગાડયા હતા. વિશાલ નામનો આ બે મહિનાનો બાળક લોહીલુહાણ અવસ્થામાં બેભાન જેવો થઇ
ગયો હતો. જેને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવાસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો જ્યાં ફરજ પરના તબીબોએ આ બાળકને મૃત જાહેર કર્યો હતો. પરપ્રાંતીય ખેતમજૂર પરિવાર
ઉપર આભ ફાટયું હતું કારણકે મહેશભાઇ વાડકિયાને એકનું એક આ સંતાન હતું, જેને શ્વાનોએ
ફાડી ખાધું છે તેથી ખૂબજ અરેરાટી અને કરુણા જન્મે તેવા આ બનાવમાં તબીબો પણ બાળકના મૃતદેહને
જોઇને શોકમગ્ન બની ગયા હતા.