ટપ્પર ડેમથી પાઈપલાઈન નાખવાની યોજનાના બીજા તબક્કા હેઠળ
નાબાર્ડે રૂ.2006 કરોડનું ઋણ મંજૂર કર્યુ
અમદાવાદ, તા.17 : નર્મદા નદીનું
પાણી કેનાલ મારફતે ગુજરાતના અનેક ભાગો અને રાજસ્થાન સુધી પહોંચે છે. હવે કચ્છ જિલ્લાના
અંતરાળના ગામડાના ખેડૂતોને પણ નર્મદા જળનો લાભ મળશે. રાજ્ય સરકાર કચ્છ જિલ્લાના ટપ્પર ડેમથી દૂરના ગામડાના રિઝર્વોઇર સુધી પાઈપલાઈન નાખવાની
યોજના અમલમાં મૂકી રહી છે અને નાબાર્ડે આ માટે રૂ.2006 કરોડનું ઋણ મંજૂર કર્યું છે.
કચ્છ જિલ્લો દેશનો સૌથી મોટો
જિલ્લો છે અને તેના મોટાભાગના ભાગમાં અત્યાર સુધી સિંચાઈના પાણીની અછત રહી છે. ટપ્પર
ડેમથી જિલ્લાના વિવિધ ગામડાઓ સુધી પાઈપલાઈન નાખવાની આ યોજનાથી 127 ગામડાના લગભગ 2 લાખ
લોકો લાભાન્વિત થશે અને 1.57 લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વર્ષ
2023-24માં અમલમાં મૂકાયેલા પ્રથમ તબક્કામાં નાબાર્ડે રૂ.3235 કરોડનું ઋણ મંજૂર કર્યું
હતું. હવે બીજા તબક્કા હેઠળ રૂ.2006 કરોડનું ઋણ મંજૂર કરવામાં આવ્યું છે. આ રિયાયતી
દરે અપાતું ઋણ ગ્રામિણ આધારભૂત રચના વિકાસ નિધિ (આરઆઈડીએફ) હેઠળ મંજૂર કરવામાં આવ્યું
છે.
બીજા તબક્કામાં પાઈપલાઈન માકણપર
ગામ સ્થિત મુખ્ય સ્ટેશનથી નારા રિઝર્વોઇર સુધી (ઉત્તરી લિંક કેનાલ) અને ટપ્પર સ્થિત
મુખ્ય પમ્પિંગ સ્ટેશનથી સાંધરો રિઝર્વોઇર સુધી (દક્ષિણ લિંક કેનાલ) નાખવામાં આવી રહી
છે. ઉત્તર અને દક્ષિણ લિંક કેનાલો દ્વારા પાણીની ઉપલબ્ધતા થી, કચ્છના દૂરના ગામડાઓના
ખેડૂતો એકથી વધારે પાકોનું વાવેતર કરી શકશે.