• મંગળવાર, 18 જૂન, 2024

આયુર્વેદની આડમાં આયુષ્ય પર ખતરો

સમયાંતરે રાજ્યમાં લબનતા રહેતા લઠ્ઠાકાંડનું એક નવું સ્વરુપ અસ્તિત્વમાં આવ્યું છે. રાજ્યના પોલીસ, આરોગ્ય વિભાગે અત્યંત કડક કાર્યવાહી કરીને, કોઈની પણ શરમ રાખ્યા વગર પગલાં ભરવા આવશ્યક છે. આયુર્વેદિક સિરપ જેવા સામાન્ય નામથી ઓળખાતું આ પીણુ વાસ્તવમાં મૃત્યને અપાતું નોતરું છે. સૌરાષ્ટ્રમાં અને રાજ્યના અન્ય હિસ્સાઓમાં દરોડા દરમિયાન આવા સિરપનો જથ્થો ઝડપાવાના બનાવ બની રહ્યા છે જો આટલું બધું પકડાય છે તો વાસ્તવમાં તો તેનું ઉત્પાદન અને વેચાણ કેટલું બધું હશે તે પ્રશ્ન અસ્થાને નથી. 

નડિયાદમાં ગુરુવારે બનેલા એક બનાવમાં કેફી પીણુ પીધા બાદ પાંચ વ્યક્તિના મૃત્યુ થયાં હતાં. આ દ્રવ્ય આયુર્વેદિક સિરપમાં ભેળવીને પીધું હોવાનું તપાસના પ્રાથમિક તબક્કે ખૂલ્યું હતું. અમદાવાદમાંથી એ જ અરસામાં નશાયુક્ત કફ સિરપ બનાવવાનું કારખાનું ધમધમતું હોવાનું પણ પોલીસ તપાસ દરમિયાન ખૂલ્યું. સૌરાષ્ટ્રના અમરેલી નજીક બાબરામાં રાજકીય અગ્રણીની દુકાનમાંથી આવા પીણાની 3000 બોટલ ઝડપાઈ હતી. વેપારીઓ તેને આયુર્વેદિક સિરપ જેવું રુપાળું નામ આપે છે. વાસ્તવમાં તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે અને તેનો વધુ પડતો નશો જીવલેણ જ નીવડે છે. કફસિરપ કે કોઈ પણ દવામાં ક્યું તત્વ કેટલું હોય તેનું પ્રમાણ તબીબી ધોરણ અનુસાર નક્કી હોય છે. દવા બનાવવા માટેના લાયસન્સ પણ જરૂરી છે. કોઈ પણ સ્થળે આયુર્વેદિક કે એલોપથીની કોઈ દવા બની શકે નહીં.

ગુજરાતમાં સિરપના નામે વેચાના અને પીવાતા આ પ્રકારના પીણાનું મૂળ શોધવું જરુરી છે. તેમાં ક્યા તત્વો ઉમેરાય છે તેની તપાસ ઝડપથી થવી જોઈએ. આવા સિરપના વેચાણ જ નહીં ગેરકાયદે ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકાય અને જે લોકો તેમાં સંડોવાયેલા હોય તેમની સામે અત્યંત ઝડપથી કાનુની કાર્યવાહી હાથ ધરાવી આવશ્યક છે. જો આ પ્રકારનું પીણું દવાના નામે વેચાવા લાગે તો હજારો લોકો તેનો ભોગ બનતાં વાર નહીં લાગે. રાજ્યના આરોગ્યમંત્રીએ આ બાબતે ચુસ્ત કાર્યવાહીની ખાતરી આપી છે. સુરક્ષા અને આરોગ્યતંત્ર દ્વારા તેનો અમલ થાય તે જરૂરી.

ઇ-પેપરના નવા શુલ્ક