• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

પરીક્ષા નેતન્યાહુની કસોટી ટ્રમ્પની

ઇઝરાયલના 120 બેઠકોની સંસદ ક્નેસેટની ચૂંટણીઓનાં પરિણામ જે દિશામાં આગળ વધી રહ્યાં છે, એ જોતાં અબ કી બાર ફિર સે નેતન્યાહુ સરકાર સાકાર થશે કે કેમ એ અંગે શંકા છે. પણ ભૂતકાળમાં આ વિરોધીઓ સાથે ગઠબંધન કરી સત્તામાં આવવાની-રહેવાની ફાવટ ધરાવતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ વખતે પણ સરકાર રચે તો આશ્ચર્ય નહીં. તેમના પક્ષ લિકુડના વડપણ હેઠળના મોરચાને સૌથી વધુ 54 બેઠકો મળી છે અને નેતન્યાહુના ગેદી આઈઝેનકૉટના નેતૃત્વ હેઠળના વિરોધી ગઠબંધનનો 47 સીટો પર વિજય થયો છે. સત્તા સ્થાપના માટેની ચાવી 17 બેઠકો ધરાવતા આરબ પક્ષોના હાથમાં છે, જેમણે ચૂંટણીમાં જોરદાર દેખાવ કર્યો છે. પોતાના રાજકીય જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહેલા નેતન્યાહુના અંતનો આરંભ આ પરિણામથી થશે એવું માની લેવું પણ વધુ પડતું છે, કેમ કે આ ચૂંટણીમાં ડાબેરીઓનો સફાયો થઈ ગયો છે અને આરબ પક્ષોને મળેલી વિક્રમી બેઠકો છતાં નેતન્યાહુ અને આઈઝેનકૉટ બન્નેનો પેલેસ્ટાઈન વિશેનો અભિગમ એકસમાન છે. વળી, નેતન્યાહુને સત્તાથી દૂર રાખવાનો એકમાત્ર માર્ગ આરબ પક્ષોનો ટેકો લઈ સરકાર રચવાનો હોવા છતાં આઈઝેનકૉટે તેમની સાથે ગઠબંધનની શક્યતાને નકારી કાઢી છે. આ કોકડું ઉકેલવા સમય લાગશે અને નિરીક્ષકોનું કહેવું છે કે, આ પરિણામ નેતન્યાહુની ઈચ્છા મુજબના જ છે, કેમ કે ઇઝરાયલના અડધો-અડધ લોકોએ ભલે નેતન્યાહુની વિરુદ્ધ મતદાન કર્યું હોવા છતાં તેમના વિરોધીઓની વિચારસરણી અને નીતિમાં બહુ અંતર નથી.

ઇઝરાયલમાં આરબ પક્ષોનું વજન વધી રહ્યું છે અને તેઓ કિંગમૅકર બનવાની સ્થિતિમાં છે, પણ ખરેખર એવું થશે કે કેમ એ ખાતરીપૂર્વક કહી શકાય એમ નથી. ઇઝરાયલના વસ્તીમાંના 20 ટકા જેટલા આરબ મતદારોના ધ્રુવીકરણની અસર એ થઈ શકે કે જો અત્યારના રાજકીય વિરોધીઓ સાથે આવ્યા તો યહૂદી સિવાયના નાગરિકોના મતાધિકાર પર તવાઈ આવી શકે છે. તો, સામા છેડે પેલેસ્ટાઈનમાં રાજકીય પક્ષોની વ્યૂહરચના સ્પષ્ટ નથી અને હમાસ તો ઇઝરાયલને જમીનદોસ્ત કરવા કટિબદ્ધ છે, આ બન્ને બાબતો રાજકીય દૃષ્ટિએ નેતન્યાહુની તરફેણમાં જાય છે. વળી, આ ક્ષેત્રના આરબ દેશો પણ પેલેસ્ટાઈનને કારણે સહન કરવી પડતી તકલીફોથી વાજ આવી ગયા છે. આ તાણાવાણા જોતાં નેતન્યાહુ તરફ જ પલડું નમે છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ રંગમાં આવી ગયા છે અને દાવો કર્યો છે કે મારા હસ્તક્ષેપને કારણે નેતન્યાહુ માટે પરિસ્થિતિ બદલાઈ અને તેઓ નક્કર ટક્કર આપી શક્યા છે. ચૂંટણી પરિણામો ચોથી નવેમ્બરે આવશે અને સત્તા સ્થાપનનું કોકડું ઉકેલાતા કદાચ વધુ સમય લાગશે, આ દરમિયાન નેતન્યાહુ રખેવાળ વડા પ્રધાન તરીકે ચાલુ રહેશે અને કોઈક રીતે તેઓ ફરી પીએમ બનશે અને ટ્રમ્પ મધ્યસત્ર ચૂંટણીમાં સાંગોપાંગ પાર ઊતરી ગયા તો પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતાઓ ઓર ધૂંધળી થઈ જશે. નેતન્યાહુનું સત્તાથી દૂર થવું બ્રાઝિલ પછી ટ્રમ્પ માટે બીજો મોટો ઝટકો સાબિત થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક