• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

બેન્ક કર્મચારીઓની માગણીનું વાજબીપણું કેટલું ?

બેન્ક કર્મચારીઓએ ફરી એકવાર સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની વ્યવસ્થાની માગણી માટે સૂર ઊંચો કર્યો છે. આમ તો ભારતમાં બેન્કિંગ ક્ષેત્રમાં બધું સમુ-સૂતરું હોવા છતાં થોડા થોડા સમયે સરકારી બેન્કોના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હોવાના સમાચારો આવતા રહે છે. એક પૂર્ણ થાય ત્યાં તરત બીજી માગણી ઊભી હોય એવી છાપ સામાન્ય જનમાં બેન્ક કર્મચારીઓ માટે છે. વારંવાર પડતી હડતાળને લીધે તે સાચી હોય તેવું પણ ઘણીવાર લાગે. સોમવારથી પુન: હડતાળના ભણકારા છે આ વખતે તે અવધિ 3 દિવસ છે. સમાધાન થઈ જાય એવી આશા રાખીએ જેથી આર્થિક વ્યવહારો ખોરવાય નહીં.

બેન્ક કર્મચારીઓની માગણી સામાન્ય રીતે પગાર વધારાની રહેતી હોય છે આ વખતે તેમને ફાઈવ ડે વીકની વ્યવસ્થા જોઈએ છે. અલબત્ત, યુનિયન એમ કહે છે કે કર્મચારીઓ સોમથી શુક્રવાર દરરોજ 40 મિનિટ વધારે કામ કરવા તૈયાર છે પરંતુ ગ્રાહકોની દૃષ્ટિએ તે યોગ્ય એટલા માટે નથી કે સપ્તાહમાં બેન્ક બે દિવસ બંધ રહે તો આર્થિક વ્યવહાર અટકે. શનિવારે વેપાર-ધંધા તો ચાલુ હોય. તે દિવસે બેન્કમાં ચેક કે રોકડ વ્યવહાર થવા જોઈએ. એવું થતું હોય કે વેપારીઓ શનિવારે બપોરે રોકડ બેન્કમાં જમા કરાવવા જતા હોય, બે દિવસ તેમણે રોકડનું જોખમ સાચવવાનું થાય. સામાન્ય લોકોને પણ બેન્કના વિવિધ કામ રૂબરૂ જઈને કરવાની સાનુકૂળતા શનિવારે જ હોય. તે દિવસે બેન્ક વધારે સમય ચાલુ ન રહે તો પણ બંધ તો ન જ રહેવી જોઈએ. બેન્કના અન્ય વ્યવહારો ઉપર તો અસર પડે જ. ગ્રાહકોના મનમાં એ વાત પણ છે કે બેન્કો લઘુતમ બેલેન્સ, સંદેશાઓ દ્વારા એલર્ટ, એટીએમ અને અન્ય ઓનલાઈન વ્યવહારના પૈસા તો વસૂલે છે.

બેન્ક કર્મચારીઓની તો અન્ય માગણીઓ પણ છે. બેન્કનું ખાનગીકરણ રોકવાનો આગ્રહ તેઓ રાખી રહ્યા છે. જો કે ખાનગી ક્ષેત્રની બેન્ક જેવી કાર્યક્ષમતા, ત્વરા અને સુવિધાની અપેક્ષા ગ્રાહકો રાખે છે. નવા કર્મચારીની ભરતીની તેમની માગ છે પરંતુ મેનેજમેન્ટનો સિદ્ધાંત કહે છે કે કામ કરવા કેટલા કર્મચારી છે તેની સાથે એ પણ અગત્યનું છે કે જેટલા કર્મચારી છે તેમાંથી કેટલા કામ કરે છે? આર્થિક વ્યવહારો, વેપારી એકમો, અન્ય ગ્રાહકોમાં સતત વૃદ્ધિ થાય તો કર્મચારીઓ  ઉપર ભારણ આવે તે સમજી શકાય પરંતુ ભારતમાં જે-જે સંસ્થાઓ ઈન્ફર્મેશન ટેક્નોલોજીથી સજ્જ થઈ તેમાં બેન્કિંગ ક્ષેત્ર અગ્ર હતું. પ્રત્યાયન અને હિસાબોની અદ્યતન સુવિધા તેને અપાઈ છે. માનવશ્રમ ત્યાં અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઓછો થયો હતો. સોમવારે હડતાળ પડે તો ત્રણ મુખ્ય ચેક ગ્રીડમાં 25 લાખથી 30 લાખ ચેક અટવાઈ જશે. રૂ. 20000 કરોડથી રૂ. 30000 કરોડના મૂલ્યના ચેકના વ્યવહાર અટકશે. એમએસએમઈ, ટેક્સટાઈલ, એપીએમસી અને રોકડ આધારિત વેપારમાં તરલતા અટકી જશે. કર્મચારીઓનો પક્ષ પણ સમજવો તો જોઈએ, વિવિધ સરકારી યોજનાના અમલીકરણ માટે બેન્કોની શાખા માધ્યમ છે. ત્યાં ભાર વધે છે. આજે તો મલ્ટિટાસ્કિંગનો સમય છે. વેપાર-ઉદ્યોગના વિકાસમાં બેન્કિંગ ક્ષેત્ર તો ચાવીરુપ છે. અન્ય ક્ષેત્રોને અન્ય જવાબદારીઓ હોય છે. બેન્કો ઉપર તે ભાર પણ નથી હોતો. હડતાળ ન પડે તો પણ સતત માગણીઓ કરવાનું ઓછું કરી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન વધારવું તે દરેક નાગરિકનો ધર્મ છે. વધારે સંખ્યામાં કર્મચારી, સુવિધા કે વળતર માગવાનું ભલે ચાલુ રહે પરંતુ હડતાળ જેવા હથિયાર અપનાવીને રોજિંદા કાર્યોની ગતિ અવરોધવાનું હવે બંધ થવું જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક