• સોમવાર, 28 સપ્ટેમ્બર, 2026

જ્ઞાનેશકુમાર મૌન તોડશે?

 ચૂંટણી પંચના મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારની કાર્યવાહી સામે વિપક્ષીનેતા રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કર્યા પછી દેશભરમાં ચૂંટણી પંચના વિરોધમાં દેખાવો શરૂ થયા છે અને જ્ઞાનેશકુમારના રાજીનામાંની માગણી થઈ રહી છે ત્યારે જ્ઞાનેશકુમાર મૌન તોડશે? કે પછી સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ આવે અને સરકાર જવાબ આપે ત્યાં સુધી રાહ જોશે? બિહારની ચૂંટણી વખતે મતદાર યાદીની ચકાસણી શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધી એ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવીને ‘મોટો બૉમ્બ ધડાકો’ કરવાની જાહેરાત કરી હતી- પણ તેની અસર થઈ નહીં અને સુપ્રીમ કોર્ટે પણ મતદાર યાદીઓની ચકાસણીને વાજબી ઠરાવી હતી. રાહુલ ગાંધીના આક્ષેપ અને ‘બૉમ્બ’નો જવાબ આપવા માટે ખુદ જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદ ભરી હતી અને બન્ને કમિશનરોને સાથે બેસાડયા હતા! પણ શક્ય છે કે આ વખતે જ્ઞાનેશકુમાર ‘મોકા’ની રાહ જોતા હોય.

મુખ્ય કમિશનરે મૌન જાળવ્યું છે ત્યારે પંચના અન્ય અધિકારીઓએ નિવેદન બહાર પાડયું છે કે પંચના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા છે અને કોઈ કમિશનરે અસંમતિ નોંધાવી નથી. પંચના જવાબદાર અધિકારીઓએ આ નિવેદન જ્ઞાનેશકુમારની મંજુરી પછી બહાર પાડયું હોવું જોઈએ. બન્ને સાથી કમિશ્નરોએ લેખિત સુધારા સૂચવ્યા હોય, વિરોધ કર્યો હોય પણ આખરી નિર્ણયમાં મૌન રહીને સંમતિ આપી હોય એવું બની શકે. આ ‘ટ્રમ્પ કાર્ડ’ જ્ઞાનેશકુમાર પાસે હોઈ શકે અને અત્યારે ‘ખુલ્લુ’ કરે તો વિવાદમાં નવા ફણગા ફૂટે! ગમે તેમ પણ હવે ત્રણે કમિશનરો એકસાથે જાહેરમાં ઊભા રહે એવું લાગતું નથી. અત્યાર સુધીની તમામ પત્રકાર પરિષદોમાં-જાહેરમાં સર્વ સંમતિનું પ્રદર્શન થયું છે. તેથી રાહુલ ગાંધી અથવા તો બન્ને કમિશનરો હવે ઈન્કાર કરી નહીં શકે. આ સંજોગોમાં જ્ઞાનેશકુમારને મૌન રહેવાની સલાહ મળી હશે.

દરમિયાન- આ વિષયમાં રાજકારણ ગરમ બન્યું છે. એનડીએના સભ્ય પક્ષો કહે છે કે પંચની નિષ્પક્ષતા બતાવવી જોઈએ. ચિરાગ પાસવાને કહ્યું કે રાહુલ ગાંધીના આક્ષેપનો જવાબ-રદિયો આપવા નહીં પણ જનતાના મનમાં ચૂંટણી પ્રણાલિ-વ્યવસ્થા વિષે શંકા નહીં હોવી જોઈએ, નિર્મૂળ થવી જોઈએ. આ માટે જ્ઞાનેશકુમારે ખુલાસો કરવો જોઈએ. ચિરાગ-પાસવાન સાથે અન્ય કેટલાક ભાગીદાર પક્ષોએ પણ સૂર પુરાવ્યો છે. બીજી બાજુ - રાહુલ ગાંધી વિપક્ષી છાવણીના નેતા-બેતાજ બાદશાહ - થતા જોઈને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષમાં ચણભણાટ શરૂ થયો છે. રાહુલ ગાંધીએ અદાણી-અંબાણી અંગેના કોર્પોરેટ વૉરમાં માથું નહીં મારવું જોઈએ - એવા પ્રત્યાઘાત આવી રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક