• બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

ડિમોલીશન : મકાન તૂટયા, સમસ્યાના ‘પાયા’નું શું ?

સૌરાષ્ટ્રનું અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલીશન એટલે કે અનધિકૃત બાંધકામ તોડવાનું કામ રાજકોટમાં હાથ ધરવામાં આવ્યું. ધારણા તો એવી હતી કે, આ પ્રક્રિયા દરમિયાન તોફાન થશે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ બહાર જશે પરંતુ પ્રશાસને બળને બદલે કળથી કામ લીધું. અનધિકૃત 1400થી વધારે બાંધકામો પૈકી 1100 બાંધકામ દુર થઈ ગયા છે. માનવીય સંવેદના સામે કાનૂની પ્રક્રિયાનો આ દ્વંદ્વ છે. જંગલેશ્વર ડિમોલીશનના અનેક પરીપ્રેક્ષ્ય છે. રાજકીયથી લઈને ધાર્મિક મુદ્દાઓની ચર્ચા પણ થતી રહી છે. સાચી દલીલો, વિવિધ તર્ક અને કેટલીક માન્યતાઓ બધાની વચ્ચેથી આખરે આ કાર્યવાહી સંપન્ન થઈ છે. જો કે, હજુ બીજો તબક્કો બાકી છે.

અનધિકૃત બાંધકામો તોડવાનું કામ નવી બાબત નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ કાર્યવાહીને ‘દાદાનું બુલડોઝર’ એવું વિશેષણ કેટલાક માધ્યમો આપે છે. બેટ દ્વારકામાં જ્યારે શંકાસ્પદ ઈમારતો તોડી પડાઈ ત્યારે મુખ્યમંત્રીની મક્કમતાના ચોમેર વખાણ થયા હતા.  વેરાવળમાં પણ ભીડિયા વિસ્તાર નજીક આ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ ત્યારે સ્થાનિકોનો પણ સહયોગ રહ્યો હતો. જે વસાહતો અનધિકૃત હોય અથવા ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ ધમધમતી હોય તેને તોડી પાડવા સામે કોઈ વિરોધ હોઈ શકે નહીં પરંતુ જ્યારે જ્યારે ડિમોલીશન થાય ત્યારે કેટલાક મુદ્દા સપાટી પર આવતા હોય છે. રાજકોટમાં થયેલા જંગલેશ્વર ડિમોલીશન બાદ પણ આ દલીલો શરૂ થઈ છે.

20000 લોકોની જ્યાં વસતિ હતી અથવા તો છે તેવા જંગલેશ્વરનું અસ્તિત્વ 40 વર્ષથી છે. ડિમોલીશન હાથ ધરાયું તે પછીના નજીકના ભવિષ્યમાં ચૂંટણી છે તે કેટલાક લોકોને સાંયોગિક લાગી રહ્યું છે. જંગલેશ્વર વિસ્તારમાં લઘુમતીઓની વસતિ વધારે છે તેવી માન્યતા દૃઢ છે. જો કે, ડિમોલીશન સમયે એ વાત બહાર આવી કે, કુલ      વસતિમાંથી 65% હિંદુઓ છે, 35% મુસ્લિમ છે અને મકાન બંનેના તૂટયા છે. કાનૂની રીતે અનઅધિકૃત પરંતુ ત્યાં રહેનારાઓનો તો આશરો ગયો છે એટલે નારાજગી, દુ:ખ અને વિરોધ વ્યક્ત થાય જ. આ તમામ રહેવાસીઓની દલીલ એવી હતી કે, તેમને તમામ સરકારી સુવિધાઓ આપવામાં આવી છે. જ્યારે તંત્ર કહે છે તેનાથી મકાનની અધિકૃતતા સાબિત થતી નથી. અહીંયા જે સૌથી મોટો સવાલ એ આવે છે કે રાજકોટનું જંગલેશ્વર હોય, અન્ય કોઈ વિસ્તાર હોય કે અન્ય શહેરની વસાહત હોય. અનધિકૃત એક મકાનમાંથી એક આખી વસતિ ઉભી થઈ જાય ત્યાં સુધી પ્રશાસન ક્યાં હોય છે? ટાઉન પ્લાનીંગના રસ્તા, પ્લોટ આ બધી જ વિગત મહાનગરપાલિકા પાસે હોય છે તો પછી આ દબાણ થવા કોણ દ્યે છે? બહુ સ્પષ્ટ છે કે, રાજકીય ઓથ ધરાવતા અથવા તો રાજકારણમાં જ સક્રિય તેવા લોકો આ અનધિકૃત વસાહતો ઉભી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. રાજકીય દબાવનો ઉપયોગ કરીને તે મકાનોની સંખ્યા વધે છે અને જોતજોતામાં આવી વસાહતો ઉભી થઈ જાય છે. ધર્મ, કાનૂન, સંવેદના બધી જ બાબતોની વચ્ચેથી જંગલેશ્વર ડિમોલીશન થયું છે. હવે તંત્રની એ જવાબદારી છે કે આ સરકારી જમીન પર ફરી કોઈ દબાણ ન થાય અને જે હેતુથી જમીન ખાલી કરાવાઈ છે તે હેતુ સિદ્ધ થાય.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કર્ણાટક દબદબો બનાવવા અને જમ્મૂ-કાશ્મીર ટીમ પહેલીવાર ચેમ્પિયન બનવા માગશે February 24, Tue, 2026