નેતાઓએ
વાણી અને વર્તનમાં સંયમ રાખવો જોઈએ - એવો વણલખ્યો નિયમ છે પણ તાજેતરની છૂટીછવાઈ ઘટનાઓ
આ નિયમ અને શિષ્ટાચારનો ભંગ કરે છે. હિમાચલ પ્રદેશના શિમલામાં એક મકાન તૂટી પડવાની
દહેશતથી ખાલી કરાવવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે તૂટી પડયું ત્યારે તેની માલિક
રંજના વર્માએ ફરિયાદ કરી કે નેશનલ હાઈવે અૉથોરિટી અૉફ ઇન્ડિયાના માર્ગ બાંધકામના કારણે
એમનું મકાન પડયું છે. હકીકતમાં માર્ગ બાંધકામ 30 મીટરથી દૂર નિયમ મુજબ હતું પણ જાતતપાસ
કરવા આવેલા રાજ્યના પ્રધાનજીએ નેશનલ હાઈવેના બે ઈજનેરોને તાબડતોબ બોલાવ્યા અને તપાસને
બદલે ગાળાગાળી કરીને એમના ઉપર ‘હુમલો’ કર્યો. માથા ઉપર માટલું ફોડીને બંનેને ઘસડીને
મોટરકારમાં લઈ જવાનો પ્રયાસ કર્યો પણ તેઓ મુશ્કેલીથી છટકીને સરકારી હૉસ્પિટલમાં સારવાર
માટે પહોંચ્યા છે.
રાજ્યની
વિધાનસભામાં દ્વિપક્ષી - ભાજપના નેતાએ પ્રધાનજી - અનિરુદ્ધસિંહના રાજીનામાની માગણી
કરી છે. કાયદો હાથમાં લઈને દાદાગીરી કરનારા પ્રધાન સામે સખત કામગીરી કરીને ન્યાય આપવાની
માગણી કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ પણ કરી છે.
જનતાના
વોટથી ચૂંટાયેલા પ્રધાનો સત્તાના મદમાં જો આવી રીતે કાયદો હાથમાં લઈને દાદાગીરી કરે
તો સરકારી કર્મચારીઓની નિષ્ઠા અને કામગીરી
ઉપર કેવી અસર પડે તેનો વિચાર આ નેતાઓ કરતા નથી. આવો જ કિસ્સો મધ્યપ્રદેશમાં બન્યો છે.
ભાજપ સરકારના પ્રધાન મહિલા પોલીસ અફસરોને જાહેરમાં ધમકાવી રહ્યા છે. આવી ઘટનાઓમાં માત્ર
રાજીનામાં માગવાનો મતલબ નથી. નિષ્પક્ષ તપાસ થાય ત્યાં સુધી એમને ‘સસ્પેન્ડ’ કરવા જોઈએ
અને પુરવાર થયા પછી કાનૂન મુજબ સજા પણ થવી જોઈએ. ‘જનતાના સેવક અને સરકારી કર્મચારી’
વચ્ચેના સંબંધની લક્ષ્મણરેખાનો આદર થાય નહીં તો શાસનતંત્ર આપખુદ બની જાય - જે સ્વીકાર્ય
હોય જ નહીં.
આ સંદર્ભમાં
મહારાષ્ટ્ર વિધાનસભાની બે ઘટનાઓની નોંધ લેવી જરૂરી છે. વિધાનસભાના પૂર્વ સ્પીકર અને
વિદ્યમાન પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ નાના પટોલે ગૃહમાં સ્પીકરના સિંહાસન સુધી ધસી ગયા
તે પછી સ્પીકર રાહુલ નાર્વેકરે એમને એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા. રાજ્યના એક ભાજપ
સભ્યે કિસાનોને અપાતી લોન-માફીના નાણાંનો ઉપયોગ લગ્નોત્સવોમાં થતો હોવાની ટીકા કરી
અને કહ્યું કે સરકારી નાણાંથી કપડાં, પગરખાં અને મોબાઈલ ખરીદાય છે કારણ કે નાણાકીય
લાભ મળે છે. નાના પટોલેએ આ મુદ્દા ઉપર સંબંધિત સભ્ય અને મુખ્ય પ્રધાને માફી માગવી જોઈએ
એવી માગણી કરી અને વિરોધ પ્રદર્શનમાં સ્પીકરના સિંહાસન સુધી ધસી ગયા.
વિપક્ષને
વિરોધ કરવાની છૂટ છે. હોવી જ જોઈએ. એમની ફરજ પણ છે છતાં શિસ્ત અને સંયમ પણ અનિવાર્ય
છે. આવી ઘટનાની છાપ-અસર જનતા ઉપર કેવી પડે છે તેનો વિચાર કરવો જોઈએ. ભાષાના વિવાદમાં
કોઈ નાગરિકને સજા કરવાની શરૂઆત થાય તો તે કયાં જઈને અટકશે? નેતાઓએ સારો-યોગ્ય દાખલો
બેસાડવો જોઈએ.
વિધાનસભાની
કાર્યવાહી વખતે સંબંધિત પ્રધાનો તથા સચિવોએ પણ હાજર રહેવું જોઈએ એવી એક પ્રથા છે, જેથી
જનતા અને રાજ્યના પ્રશ્નો સાંભળીને નિરાકરણ કરવામાં મદદરૂપ થઈ શકે પણ સચિવો ગૃહમાં
હાજર રહેવાને બદલે પોતાની અૉફિસોમાં બેસીને ટીવી ઉપર ગૃહની કામગીરી જોવા લાગ્યા છે
એવી ટીકા વિધાનસભામાં થઈ ત્યારે ભાજપના એક સભ્યે ઉપાય સૂચવ્યો : સચિવોને બાંધીને ગૃહમાં
લઈ આવવા જોઈએ. આવું બ્રિટનની સંસદમાં થાય છે - આપણે પણ કરવું જોઈએ! આવી ટીકા અને ઉપાય
સૂચવવાનો વિશેષાધિકાર માનનીય સભ્યોને છે. હોવો જોઈએ. પણ સરકાર અને શાસન તંત્ર વચ્ચે
સુમેળ હોય તો જ શાસન સુપેરે ચાલી શકે. આ વિષયની ચર્ચા સરકારે સચિવોની બેઠક બોલાવીને
કરવામાં આવે તો વહીવટી તંત્રની છાપ સુધરી શકે.
મહારાષ્ટ્ર
વિધાનસભામાં ઉઠાવાયેલો આ મુદ્દો અન્ય રાજ્યોને પણ લાગુ પડે છે અને જનતામાં - ગૃહમાં
માનનીય સભ્યોની હાજરી - ગેરહાજરીની ચર્ચા પણ થતી હોય છે એ રખે ભુલાય!