અષાઢી બીજની જગપ્રસિદ્ધ રથાયાત્રામાં કરુણાંતિકા સર્જાઈ. પુરીની જગન્નાથ રથયાત્રામાં દુર્ઘટના થઈ. અમદાવાદમાં મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ. અકસ્માત કોઈના હાથમાં નથી છતાં એક વાત તો સ્પષ્ટ છે કે અગાઉ બનેલા બનાવમાંથી આપણે કંઈ શીખતા નથી તે વધુ એકવાર સાબિત થયું છે. ભાગદોડમાં ત્રણ શ્રદ્ધાળુના મૃત્યુ થયાં છે. અમદાવાદમાં રથયાત્રા ચાલુ હતી ત્યાં જ હાથી અનિયંત્રિત બનતાં ભાગદોડ તો થઈ પરંતુ કોઈને વાગ્યું નહીં કે કોઈના જીવ ગયા નહીં. હાથી ઉપર થયેલા અત્યાચારની પણ ચર્ચા છે પરંતુ મુખ્ય વાત તો આ દુર્ઘટના છે. પ્રજા અને પ્રશાસન બન્નેએ આવા પ્રસંગોએ કશુંક બોધપાઠ લઈને આગળ વધવું જોઈએ.
કર્ણાટકમાં
ક્રિકેટ ટીમને વધાવવા ઉમટી પડેલી મેદનીમાં 11 વ્યક્તિના મૃત્યુ થયાં હતા તે ઘટના હજી
જરાય જૂની નથી. સમગ્ર વિશ્વમાં જેની ચર્ચા અને પ્રભાવ રહ્યા તે કુંભમેળા દરમિયાન અને
ત્યાં જતા યાત્રાળુઓના આકસ્મિક મૃત્યુની ઘટનાએ પણ દુ:ખની લાગણી જન્માવી હતી. પ્રશાસનની
જવાબદારી હતી અને હોય જ પરંતુ એક જગ્યાએ જ્યાં લાખો લોકો એકત્ર થવાના હોય કે થયા હોય
ત્યાં જવામાં અને જઈને પૂજા-સ્નાન કરવામાં લોકોનો સંયમ પણ અનિવાર્ય તો છે જ. ધાર્મિક
કાર્યક્રમોમાં આ ધક્કામૂક્કીના બનાવ વધારે હોય છે. પુરીમાં જે થયું તેને લીધે ઓડિશાના
મુખ્યમંત્રીએ ખેદ પણ વ્યક્ત કર્યો. પરંતુ તેથી સરકારની જવાબદારી ઓછી થઈ જતી નથી. જનતાનો
સંયમ જરૂરી છે પરંતુ સરકારની વ્યવસ્થા પણ આવશ્યક છે.
જગન્નાથપુરીની
રથયાત્રા પ્રથમવાર નથી નીકળી. હજારો લોકો તેમાં હશે તેની ખબર હોય જ. તંત્રે વ્યવસ્થા
કરી જ નહીં હોય તેવું નથી પરંતુ આગોતરું આયોજન હોવા છતાં આ સ્થિતિ સર્જાઈ. દુર્ઘટના
થાય, એક સમિતિ રચાય બધું ભુલાઈ જાય. જ્યાં સુધી આ રિવાજ ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ
ઉકેલ નહીં આવે, જવાબદાર અધિકારી, વિભાગ સામે કાર્યવાહી થવી જોઈએ. સોસિયલ મીડિયાને લીધે
હવે આવા ઉત્સવોની માહિતી આંતરરાષ્ટ્રીય સ્તરે વધારે ઝડપથી પહોંચે છે. કુંભ કે રથયાત્રા
જેવા આયોજનો થાય તે ભારત માટે ગૌરવાન્વિત થવાની પરંપરા છે પરંતુ અવારનવાર સર્જાતી દુર્ઘટનાઓ
આપણી સલામતી વ્યવસ્થા અને નાગરિક ધર્મ બન્ને દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી છબિ
બગાડનારી બની રહે.