સિટી ઓફ જોય તરીકે ઓળખાતું સાંસ્કૃતિક નગર કોલકાત્તા ફરી એકવાર યુવતી ઉપર થયેલા દુષ્કર્મને લીધે ચર્ચામાં છે. મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થિની ઉપર થયેલા બળાત્કાર પછી હવે કાનૂન-લોનો અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થિની આ અપરાધનો ભોગ બની છે. એક જ વર્ષમાં આ બન્ને ઘટના બની છે, પશ્ચિમ બંગાળ સરકાર માટે આ ખરેખર ગંભીર રીતે વિચારવાની અને અત્યંત શરમજનક ઘટના છે. જંગલ-ઝાડીમાં આવું કંઈ થાય, અંતરિયાળ વિસ્તારમાં બને તો એક છટકબારી રહે પરંતુ બન્ને પરિસર પણ એવાં છે જ્યાં આવું બનવાની શક્યતા જ ન હોય. ત્રી મુખ્યમંત્રી જ્યાં શાસન કરે છે ત્યાં ત્રીઓની સલામતી સામે પ્રશ્નો ઊઠી રહ્યા છે.
મેડિકલની
વિદ્યાર્થિની બળાત્કારનો ભોગ બની તેનો પડઘા આખા દેશમાં પડયા હતા. ડોક્ટરો રસ્તા ઉપર
ઉતરી આવ્યા હતા. આવા આક્રોશાત્મક પ્રતિભાવ સ્વાભાવિક હતા. એ સમયે તો શાસક તૃણમૂલ કોંગ્રેસના
કેટલાક નેતાઓએ ભીનું સંકેલવાના પ્રયાસ કર્યા હોવાના પણ સ્પષ્ટ અહેવાલ હતા. તાજેતરમાં
બનેલી ઘટના પછી પોલીસે વધારે ઝડપથી કાર્યવાહી હાથ ધરી છે તે સારી વાત છે. અહીં પણ ટીએમસી
સાથે સંકળાયેલા કેટલાક લોકો સામે આંગળી ચિંધાઈ રહી છે. અલબત્ત, દુષ્કર્મની ઘટના કોઈ
એક પ્રાંતમાં, એક ધર્મ કે જાતિની યુવતી ઉપર થાય તો તેની ગંભીરતા ઓછી અને બીજે થાય તો
વધારે તેવું ન હોય. દેશના કોઈ પણ હિસ્સામાં આવું બને તે દુ:ખદ છે.
કોઈ
પણ પક્ષની સરકાર હોય, આવું બનવું જોઈએ નહીં પરંતુ અહીં ટૂંકા ગાળામાં બે ઘટના બહાર
આવી તેથી ચર્ચા છે. બીજું બંગાળની ભૂમિ સંતો, સાક્ષરોની ભૂમિ છે. કોલકત્તાનો એક મિજાજ
છે ત્યાં જ અવારનવાર આવી ઘટનાઓ બને તે શરમની વાત છે. લો કોલેજની ઘટના એટલે વધારે ગંભીર
છે કે ત્યાં યુવતી ઉપર દુષ્કર્મ ગાર્ડના રૂમમાં થયું. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ શંકાના
દાયરામાં છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાએ વળી એવું નિવેદન આપ્યું કે અંદર અંદર આવું બને
તો સરકાર કંઈ દરેક કોલેજે થોડી પોલીસ બેસાડે? જો કે આ બેશર્મીભર્યાં નિવેદન સામે પક્ષે
સાંસદ અને ધારાસભ્યને ઠપકો આપ્યો. જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે તેમણે આવું બોલાય જ નહીં.
દુષ્કર્મની
ઘટનાઓ વધી રહી છે. કોલકત્તા કે દેશના અન્ય હિસ્સાઓમાં આવું બને છે, આ સંદર્ભે કાયદો
અને સજાની માત્રા વધારે સંગીન કરવાની તાતી આવશ્યકતા છે. જો કે આ સમસ્યા ફક્ત કાનૂની
નથી. સરકાર અહીં મહત્વની ભૂમિકામાં છે પરંતુ રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો વધારે સારી
રીતે અહીં કામ આવી શકે. દેશમાં ત્રી દાક્ષિણ્ય, ત્રી સલામતી માટેની વાતો જે પ્રમાણમાં
થાય છે તેટલું કામ થઈ રહ્યું નથી. દુષ્કર્મની ઘટના સમયે પણ પક્ષ-વિપક્ષ આક્ષેપ-પ્રતિઆક્ષેપમાં
પડી જાય છે. પરંતુ સમાજમાં એક વાતાવરણ ઊભું થાય કે આવું ન બને તે માટેના પ્રયાસ નથી
થતા. સોશિયલ મીડિયા, શાળાનું વાતાવરણ, મનોવૈજ્ઞાનિક અભિગમ જેવી બાબતોને અગ્રતા અપાવી
જરૂરી છે પરંતુ ક્યાંય કોઈ પક્ષ, કોઈ સંગઠન આના માટે માગણી નથી કરતું, જે ન હોય તે
મુદ્દા ઊભા કરી લડયે રાખવું અને આવી બાબતોની અવગણના તે કમનસીબે આપણી ટેવ બની ગઈ છે.