• સોમવાર, 06 મે, 2024

સોરઠમાં ભાજપના નેતાઓના વાણી વિલાસ બાદ જિલ્લા ભાજપ પ્રમુખે માગી માફી

-ભૂપત ભાયાણી સામે પગલાં ભરવા કોંગ્રેસની માગણી

જૂનાગઢ, તા.23 : સોરઠમાં ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થતા સ્થાનિક ભાજપના આગેવાનો ભાન ભૂલી વાણી વિલાસ ઉપર ઉતર્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખે રાજા-રજવાડાની પટરાણીનો પુત્ર રાજગાદીએ બેસાડાય તેવો બફાટ કરતા રાજપૂત સમાજમાં રોષ ઉઠતા માફી માગી હતી. જ્યારે ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે અભદ્ર ટીપ્પણી કરતા, કોંગ્રેસે કાનૂની કાર્યવાહીની માગ કરી છે.

વિસાવદરમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજા-રજવાડામાં પટરાણીનો ગાંડો-ઘેલો પુત્ર હોય તો પણ રાજગાદીએ બેસાડાઈ. આ પ્રવચન સામે વિરોધ ઉઠતા કિરીટ પટેલે જાહેરમાં માફી માગી હતી જ્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જૂનાગઢ-વિસાવદર બ્રોડગેજ રેલ લાઇનમાં વન વિભાગ હવનમાં હાડકા નાખે છે, તે બંધ નહીંતર જોવા જેવી થશે તેથી ચીમકી ઉચ્ચારી છે. તેઓ કદાચ કોંગ્રેસની વિચારધારામાંથી બહાર આવ્યા ન હોય કારણ કે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું શાસન છે, ત્યારે વન -વિભાગ અવરોધ કરે તો પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દૂર કરી શકાય. સ્થાનિક બૂમ બરાડાથી તાળીઓ જરૂર પડે પણ પરિપકવતા છતી થાય છે.

તેમજ વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપમાં તાજેતરમાં જોડાયેલા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીની કિન્નરો સાથે સરખામણી કરી વાણીવિલાસ કરતા કિન્નર સમાજમાં નારાજગી ફરી છે જ્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસે રાજ્યના ચૂંટણી કમિશનરને પત્ર પાઠવી, આચારસંહિતા ભંગ તથા કાનૂની કાર્યવાહીની માગ કરી છે.

જૂનાગઢ જિલ્લામાં ભાજપના નવા નેતાઓ ચૂંટણી પ્રચારના પ્રારંભે વાણી વિલાસ પર ઉતરતા મતદારો પણ આ ગુઢ રહસ્યને ઓળખવા લાગ્યા છે અને પક્ષમાં ઉપર રજૂઆત કરી ન શકનારી હવે નીચે સસ્તી પ્રસિદ્ધિ માટે હવાતીયા મારતા હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.

આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સામે જે આક્રોશ છે તેનાં કારણે ભાજપ અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. ભાજપના નેતાઓ કાચનાં ઘરોમાં રહે છે તેઓ કોંગ્રેસના ધીરજની પરીક્ષા ન લે. કોંગ્રેસના મીડિયા કન્વિનર અને પ્રવક્તા ડો.મનિશ દોશીએ જણાવ્યું હતું કે, ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી ઉપર કરેલી ટિપ્પણી ઘણી ગંભીર બાબત છે. ભાજપના નેતાઓ નિમ્નકક્ષાની માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે. ચૂંટણી પંચ તેમની સામે સખત પગલાં લે તેવી કોંગ્રેસ પક્ષની માગણી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

નુપૂર શર્માની હત્યાનું કાવતરું રચનાર કટ્ટરપંથી મૌલવીની સુરતમાં ધરપકડ May 06, Mon, 2024