ભારત શાનથી સુપર-8 રાઉન્ડમાં: 176 રનના વિજય લક્ષ્યાંક સામે પાકિસ્તાની ટીમ 114 રનમાં ઢેર
ઇશાન કિશનના આતશી 77 રન પછી ભારતીય બોલર્સ
ત્રાટકયા
દેશમાં શિવરાત્રીએ દિવાળીનો માહોલ : મીઠાઇ
વહેંચાઇ
અને ફટાકડા ફૂટયાં
વિશ્વ કપમાં પાક. વિરૂધ્ધના 9 મેચમાંથી
ભારતની 8મી જીત
પાક. કપ્તાન સલમાન સાથે સૂર્યકુમારે હાથ
મિલાવ્યો નહીં
કોલંબો
તા.1પ: પાકિસ્તાન સામેના ક્રિકેટ જંગમાં ભારતે ફરી એકવાર શક્તિ પ્રદર્શન કરીને 61 રને
બુલંદ વિજય હાંસલ કરીને ટી-20 વર્લ્ડ કપના સુપર-8 રાઉન્ડમાં શાનથી પ્રવેશ કર્યોં છે.
કોલંબોની સ્લો પિચ પર પ્લેયર ઓફ ધ મેચ ઇશાન કિશનના આતશી 77 રનની ઇનિંગ બાદ ભારતીય બોલર્સ
પાક. ટીમ પર ત્રાટકયા હતા. આથી પાક. ટીમે તમામ મોરચે શરણાગતિ સ્વીકારી લીધી હતી અને
ભારતના 7 વિકેટે 17પ રનના જવાબમાં 18 ઓવરમાં ફકત 114 રનમાં ઢેર થઇ ગઇ હતી. શિવરાત્રી
પરાક્રમી સૂર્યસેના માટે વિજય રાત્રી બની હતી. ગ્રુપ એમાં ટીમ ઈન્ડિયાના 3 મેચમાં
3 જીતથી 6 પોઇન્ટ થયા છે અને ટોચ પર છે.
પાકિસ્તાન
સામેના મહામુકાબલાની શાનદાર વિજયની દેશભરમાં રવિવારે રાત્રે જોશભેર ઉજવણી થઇ હતી. લોકોએ
મીઠાઇ વહેંચી હતી અને ફટાકડા ફૂટયા હતા. બીજી તરફ ભારત સામેની વધુ એક કારમી હારથી પાક.માં
માતમ છવાયો હતો. ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેના કુલ 9 મેચમાંથી ભારતે આજે આઠમો
વિજય હાંસલ કરીને સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું.
176
રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાની ટીમે પાવર પ્લેમાં 4 વિકેટ ગુમાવી દીધી
હતી. આથી ભારતે મેચ પર સંપૂર્ણ વર્ચસ્વ જમાવ્યું હતું. પહેલી ઓવરમાં સાહિબઝાદા ફરહાન
(0) હાર્દિકનો શિકાર બન્યો હતો. બીજી ઓવરમાં બુમરાહે સઇમ અયૂબ (6) અને કપ્તાન સલમાન
આગા (4)ને આઉટ કરી પાક. છાવણીમાં સોપો પાડી દીધો હતો. સ્પિનર અક્ષરે બાબર (પ)ને ગૂગલીમાં
બોલ્ડ કરી પાક.ને હતપ્રભ કરી દીધું હતું. આ પછી ઉસ્માન ખાને 34 દડામાં 6 ચોક્કા અને 1 છક્કાથી 44 રનની ઇનિંગ
રમી વાપસીની કોશિશ કરી હતી. અક્ષરે તેને આઉટ કરી ભારતનો વિજય નિશ્ચિત કર્યોં હતો. ઉસ્માનની
વિકેટ બાદ પાક. ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઇ ગઇ હતી અને 18 ઓવરમાં 114 રને ઓલઆઉટ
થઇ હતી. શાદાબ ખાને 14 અને શાહિન અફ્રિદીએ અણનમ 23 રન કર્યાં હતા.
ભારત
તરફથી હાર્દિક પંડયા, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી
હતી. કુલદીપ અને તિલકને 1 વિકેટ મળી હતી.