જાતિ પ્રત્યે ભેદભાવ રાખી ત્રાસ આપતા કોલેજના ત્રીજા માળેથી પડતું મૂક્યું : બે પ્રોફેસર સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
રાજકોટ, તા.15 : જૂનાગઢના વિસાવદર
પંથકના અને વડોદરામાં પાયોનિયર કોલેજમાં અભ્યાસ કરતા મેડિકલના છાત્રએ પ્રોફેસરોના ત્રાસથી
કોલેજના ત્રીજા માળેથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ઈજાગ્રસ્ત
છાત્રને સારવાર માટે વડોદરા બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે. કોલેજના બે પ્રોફેસર જાતિ
પ્રત્યે ભેદભાવ રાખી ત્રાસ આપતા હોવાથી આ પગલું ભરી લેતા પોલીસે બન્ને પ્રોફેસર સામે
એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ
જિલ્લાના વિસાવદર તાલુકાનાં મોણિયા ગામે રહેતા સમીરભાઈ ડાહ્યાભાઈ રાઠોડ દ્વારા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી
ફરિયાદમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેનો ભત્રીજો રોહન
દિનેશભાઈ રાઠોડ (ઉં.19) વડોદરામાં પાયોનિયર કોલેજમાં બીએએમએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ
કરે છે. કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત આરોપી કોમલ મેડમ અને ઋષિકેશ સર દ્વારા શરૂઆતથી
જ રોહનને તેની અનુસૂચિત જાતિના આધારે જાતિ આધારિત ભેદભાવ કરતા હતા. આરોપીઓએ રોહનને
સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. ક્લાસમાં અને અન્ય વિદ્યાર્થીઓની સમક્ષ જાહેરમાં
તેનું અપમાન કર્યું હતું. આ ઉપરાંત, તેનું ભણતરનું આખું વર્ષ બગાડી દેવાની ધમકીઓ પણ
આપી હતી. જેથી માનસિક ત્રાસનાં કારણે રોહને કોલેજના ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો
પ્રયાસ કર્યો હતો.
આરોપીઓએ જનરલમાં સહી કરી આપી
નહોતી અને જનરલ બુક ફેંકી દીધી હતી. આ સતત અન્યાય, અપમાન અને માનસિક ત્રાસનાં કારણે
રોહનને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જેથી રોહને કોલેજના ત્રીજા માળેથી
બારીમાંથી કૂદકો માર્યો હતો. જેનાં કારણે તેને શરીરે ગંભીર ઈજા થતા વડોદરામાં પ્રાથમિક
સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પરિવાર જૂનાગઢ લઈ ગયો છે. જ્યાં તેની સારવાર
ચાલુ છે.
આ બનાવમાં કપુરાઇ પોલીસે સમીરભાઈ
રાઠોડની ફરિયાદના આધારે બન્ને પ્રોફેસર આરોપી સામે એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો
નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાની તપાસ એસસીએસટી સેલના એસીપી સી. બી. સોલંકી ચલાવી
રહ્યા છે.