• સોમવાર, 16 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્રમાં ટીપુ સુલ્તાન મુદ્દે રાજકીય ઘમસાણ

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે ટીપુ સુલ્તાનની તુલના છત્રપતિ શિવાજી સાથે કરતા ભાજપે કર્યા પ્રહાર : ઓવૈસીએ કહ્યું, ટીપુ સુલ્તાન હિન્દુ-મુસ્લિમ એકતાના સમર્થક હતા

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની તુલના ટીપુ સુલ્તાન સાથે કરવામાં આવતા વિવાદ શરૂ થયો છે. આ વિવાદમાં રાજ્યમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. તેવામાં મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતા સચિવ સાવંતે ભાજપ ઉપર પ્રહાર કરતા બેવડાં માપદંડનો આરોપ મૂક્યો હતો અને સમાજને વહેંચવાની રાજનીતિ કરવામાં આવતી હોવાનું કહ્યું હતું. બીજી તરફ સીએમ દેવેન્દ્ર ફડણવીસે તુલનાને અયોગ્ય ગણાવતા કહ્યું હતું કે કોંગ્રેસ નેતાને શરમ આવવી જોઈએ.

આ વિવાદમાં એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપ ઉપર પ્રહાર કર્યો હતો અને કહ્યંy હતું કે 1799માં ટીપુ સુલ્તાન શહીદ થયા હતા. અંગ્રેજો સામે લડીને ટીપુ શહીદ થયા હતા. તેણે જેલમાં બંધ સાવરકરની જેમ અંગ્રેજોને લવ લેટર લખ્યો નહોતો. અંગ્રેજોમાં ટીપુ સુલ્તાનનો એટલો ડર હતો કે દોઢ કલાક સુધી ટીપુનો મૃતદેહ પડયો રહ્યો હતો પણ અંગ્રેજો નજીક જવાથી અચકાઈ રહ્યા હતા. ઓવૈસીએ આગળ લખ્યું હતું કે, યંગ એઇજ મેગેઝીનમાં લખવામાં આવ્યું હતું કે ટીપુ સુલ્તાન હિન્દુ મુસ્લિમ એકતાના સમર્થક હતા.

ઓવૈસીનાં નિવેદન ઉપર ભાજપ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેલંગણ ભાજપ અધ્યક્ષ  એન રામચંદરે કહ્યું હતું કે ટીપુ સુલ્તાનનું મહિમામંડન ઈતિહાસને તોડીને રજૂ કરવા જેવું છે. ટીપુ સુલ્તાન કર્ણાટક, મૈસુર સહિતનાં સ્થળે હિન્દુ ઉત્પીડન માટે જવાબદાર છે. તે હંમેશાં હિન્દુ વિરોધી રહ્યા હતા. ઓવૈસી પણ સાવરકર મામલે કોંગ્રેસની જેમ જુઠ્ઠાણાની રાહ ઉપર છે. ભારત ક્યારેય આવા ખોટા ઈતિહાસનો સ્વીકાર કરશે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક