• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

શાંત અને સલામત ગણાતા રાજકોટમાં 7 મહિનામાં 26 હત્યા

- માતાએ પુત્રને, દોહિત્રએ નાનાને, ભાઈએ ભાઈને, ભત્રીજાએ કાકાને, પતિએ પત્નીને રહેંસી નાખ્યા

-જિજ્ઞેશ જાની

રાજકોટ, તા.6 : સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટ શહેરને એક સમયનું શાંત અને સલામત શહેર ગણવામાં આવતું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટનો ક્રાઇમ રેટ ઊંચો ને ઊંચો જઈ રહ્યો છે. ખાસ કરીને હત્યાની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા 7 મહિનામાં હત્યાના 26 ગુના નોંધાયા છે. જેમાં એક ડબલ મર્ડરનો પણ સમાવેશ થાય છે. હત્યાના આ બનાવોમાં માતાએ પૂત્રની, દોહિત્રએ નાનાની, ભાઈએ ભાઈની, ભત્રીજાએ કાકાની અને પતિએ પત્નીની હત્યા કર્યાનો સમાવેશ થાય છે.

રાજકોટમાં વધતી જતી ગુનાખોરી અંકુશમાં લાવવામાં પોલીસ સદંતર નિષ્ફ્ળ નીવડી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસનો જરાપણ ખૌફ ન હોય તેમ સામાન્ય બાબતોમાં ગુનેગારો મારકૂટ ઉપર ઉતરી આવતા હોય છે અને કોઈ વ્યક્તિનો જીવ લેતા પણ અચકાતા નથી. રાજકોટમાં 18 જાન્યુઆરીથી 6 જુલાઈ સુધીમાં હત્યાના 27 ગુના નોંધાયા છે. જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પરપ્રાંતીય બંધુઓને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યાની ડબલ મર્ડરની ઘટનાનો પણ સમાવેશ થાય છે. હત્યાના બનાવ બાદ પોલીસ તપાસ કરે છે અને આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવે છે પરંતુ ફરી કોઈ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપતા પહેલા સો વખત વિચારે તેવી દાખલારૂપ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નહીં આવતી હોવાથી ગુનેગારોમાંથી પોલીસની ધાક ઓસરી ગઈ છે. હત્યાના 26 ગુનામાં થોરાળા વિસ્તારમાં રહેતી પત્નીને જન્મેલું બાળક પોતાનું નહીં પરંતુ પોતાના પ્રેમીનું હોવાની પતિને શંકા ઉપજી હતી. જેમાં તે બાળક તેના પતિને દઈ દેવાનું કહી પત્ની નીકળી હતી અને માતાએ 4 વર્ષના માસૂમ પૂત્રને એરપોર્ટ પોલીસ વિસ્તારમાં કુવામાં ફેંકી દીધું હતું. જેનો અંદાજે બે માસ પછી ભેદ ઉકેલાયો હતો જ્યારે તાજેતરમાં દેવું ભરવા દોહિત્રએ રૈયામાં રહેતા નાનાની હત્યા કરી લાશ સળગાવી નાખી હતી. આ ઉપરાંત જામનગર રોડ પર ભત્રીજાએ કાકાની હત્યા કરી હતી અને હવે આણંદપર બાધીમાં પતિએ પત્નીને કુહાડીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક