• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

રીબડા ફાયરિંગ પ્રકરણમાં શાર્પશૂટરને હથિયાર આપનાર રાજકોટની બેલડી ઝડપાઇ

રિમાન્ડ મેળવવા તજવીજ : ધરપકડનો આંક 9 સુધી પહોંચ્યો

ગોંડલ, તા.29: ગોંડલનાં રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરીંગની ઘટનામાં તાલુકા પોલીસે ફાયરીંગ કરનાર શુટરોને હથિયાર પુરા પાડનાર બે શખસોને રાજકોટથી ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી છે. પ્ર્રાપ્ત વિગત મુજબ ગત તા.24 જુલાઇનાં રીબડામાં અનિરૂધ્ધના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર રાત્રીના ફાયરીંગની ઘટના બની હતી.

અનિરૂધ્ધસિંહનાં પુત્ર રાજદિપસિંહ અને પિન્ટુ ખાટડી સાથેની માથાકૂટને લઇ હાર્દિકસિંહે ફાયરીંગ કરાવ્યાનુ ખુલવા પામ્યું હતું. બાદમાં એસએમસી દ્વારા કેરલ ખાતેથી હાર્દિકસિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં તેની મદદગારી કરનાર રાજકોટનાં વકીલ રવિ ગમારા અને ધર્મેન્દ્ર રાવલનાં નામ ખુલતા પોલીસે તેની પણ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ફાયરીંગ માટે હથિયાર પુરૂ પાડનાર રાજકોટનાંપુનિતનગરમાં રહેતા ઇમરાન ઉર્ફ કાળુ હસમભાઇ સૈયદ (ઉ.વ.24) તથા પરિક્ષીત ઉર્ફ પરેશ ઉર્ફ પરીયો રાજુભાઇ બાલધાનાં નામ ખુલતા તાલુકા પોલીસનાં પીઆઇ એ.ડી. પરમાર તથા તેની ટીમે બન્નેને રાજકોટથી ઉઠાવી લઇ પૂછપરછ કરતા ઇમરાન બનાવની રાત્રે ફાયરિંગ કરનાર શખસોને શાપરનાં ઓવરબ્રિજ પાસે હથિયાર આપવા ગયો હોવાની કબુલાત આપી હતી. ફાયરાગિંની ઘટનામાં વધુ કો–ની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 9 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક