• શનિવાર, 30 ઑગસ્ટ, 2025

ધરાલી પૂરપ્રકોપ: બચાવ કાર્યમાં ખરાબ હવામાનનું વિઘ્ન

-મૃત્યુઆંક 5,100 લાપતા: સેનાના 11 જવાન અને કેરળના ર8 પ્રવાસીની શોધખોળ : 190 લોકોને બચાવી લેવાયા

દહેરાદૂન, તા.6 : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં મંગળવારે વાદળ ફાટયા બાદ સર્જાયેલા પૂરપ્રકોપમાં વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક પ થયો છે. 11 સૈનિક સહિત 100 જેટલા લોકો હજુ લાપતા હોવાનું મનાય છે. જેમાં કેરળના ર8 જેટલા પ્રવાસીઓનો કોઈ અતોપતો નથી. સેના સહિતની રાહત બચાવ ટૂકડીઓએ અત્યાર સુધીમાં 190 જેટલા લોકોને બચાવી લીધા છે. ખરાબ હવામાનને કારણે રેસ્કયૂ ટીમ અને હેલિકોપ્ટરને પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન ઉત્તરાખંડના 4 સાંસદે બુધવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળી જરૂરી માહિતી આપી હતી. વડાપ્રધાને સમીક્ષા કરી રહ્યા છે અને કેન્દ્રની તમામ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ધરાલીમાં કુદરતી આફત બાદ સેનાએ એક તરફ 1ર0 અને બીજીતરફ 70 લોકોને બચાવ્યા છે. હર્ષિલમાં હેલીપેડ ડૂબી ગયું છે, અનેક રસ્તા અને પુલ તૂટી ગયા છે. વીજળી-સંચાર સેવા ઠપ છે. રેકસ્યૂ ઓપરેશનમાં ખરાબ હવામાન પડકારુપ બન્યું છે. એનડીઆરએફના ડીઆઈજી-ઓપરેશન્સ મોહસિન શહેદીએ જણાવ્યું કે હર્ષિલમાં સેનાના 11 જવાન લાપતા થયા હોવાની માહિતી છે. ગંગનાનીમાં એક વેલી બ્રિજ ધોવાઈ ગયો છે. જે ગંગોત્રી અને હર્ષિલને જોડે છે. એનડીઆરએફની 3 ટીમને એર લિફટ કરી ધરાલી પહોંચાડવામાં સફળતા મળી નથી. જેથી પહાડોમાં પગપાળા ચાલીને જવાનોને રવાના કરાયા છે.

હોનારતમાં ફસાયેલા 13 જવાનને બચાવી લઈને માતલી સ્થિત આઈટીબીપીના કેમ્પ લાવવામાં આવ્યા છે. બીઆરઓ દ્વારા બંધ રસ્તાઓ ફરી શરૂ કરવા કામગીરી ચાલી રહી છે પરંતુ સતત થઈ રહેલા ભૂસ્ખલનને કારણે મુશ્કેલી પડી રહી છે. રાહત સામગ્રીની અવરજવર સુનિશ્ચિત કરવા વેલી બ્રિજ ફરી તૈયાર કરવો જરૂરી છે.

ધરાલીના પૂર બાદ કેરળના ર8 પ્રવાસીનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેઓ એક દિવસ પહેલા ગંગોત્રી જવાની વાત કરતાં હતા પરંતુ વાદળ ફાટયા બાદ આવેલા પૂર અને ભૂસ્ખલન બાદ તેઓ સંપર્કમાં નથી. બુધવારે સવારે ધરાલીમાં કાટમાળમાં શોધખોળ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ હજુ મળી નથી. પ્રશાસને દહેરાદૂનથી ખાદ્ય સહિતની સામગ્રી પહોંચાડવા કામગીરી શરૂ કરી છે તથા રેસ્ક્યૂ કરાયેલા લોકોને ઉત્તરકાશી અને દહેરાદૂન લાવવામાં આવી રહ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક