-2025-26
માટે જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન પણ 6.5 ટકાએ જાળવી રાખતી રિઝર્વ બેન્ક: ટેરિફ સહિતની વર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાને લઈને નિર્ણય
નવી
દિલ્હી, તા. 6 : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને રાખીને પ્રમુખ
નીતિ ગત રેપો રેટને 5.5 ટકા ઉપર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આરબીઆઈએ મૌદ્રિક
નીતિના વલણને પણ તટસ્થ રાખ્યું છે. એટલે કે કેન્દ્રીય બેંક આર્થિક સ્થિતિના હિસાબે
નીતિગત દરોને વર્તમાન સમયે યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના નિર્ણયથી
હોમ અને કાર લોનની ઈએમઆઈ ઉપર કોઈ અસર જોવા મળશે નહીં.
આ પહેલા
કેન્દ્રીય બેંકે ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રેપો રેટમાં એક ટકાનો કાપ મુક્યો હતો.
ચાલુ વર્ષે જૂનની મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપો રેટ 0.5 ટકા ઘટાડવામાં આવ્યો છે. જ્યારે
ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપોરેટમાં 0.25-0.25 ટકાની
કમી કરવામાં આવી હતી. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ મૌદ્રિક નીતિ સમિતિ (એમપીસી)ની
બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા કહ્યું હતું કે એમપીસીએ નીતિગત રેપો રેટને
5.5 ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. આરબીઆઈએ 2025-26 માટે જીડીપીના વૃદ્ધિ
દરના અનુમાનને 6.5 ટકાએ યથાવત રાખ્યો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવાના
અનુમાનને ઘટાડીને 3.1 ટકા કરવામાં આવ્યું છે. જે પહેલા 3.7 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત
કરવામાં આવ્યું હતું.
ખાતા-લોકર
સંબંધિત દાવાના ઉકેલ બનશે સરળ
ભારતીય
રિઝર્વ બેંક બેંક ખાતા અને લોકર માટે દાવાના ઉકેલની પ્રક્રિયા સંબંધિત માપદંડ બનાવશે.
જેનો હેતુ મૃતક ગ્રાહકોના નામાંકિત વ્યક્તિઓના પક્ષમાં દાવાના ઉકેલની પ્રક્રિયાને સરળ
બનાવવાનો છે. કેન્દ્રીય બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ જાણકારી આપી હતી. મલ્હોત્રાના
કહેવા પ્રમાણે કેન્દ્રીય બેંક આરબીઆઈ રિટેલ-ડાયરેકટ પ્લેટફોર્મમાં કાર્યક્ષમતાનો વિસ્તાર
કરવાની યોજના ઉપર કામ કરી રહી છે. જેમાં રિટેલ રોકાણકાર પણ વ્યવસ્થિત યોજનાઓ મારફતે
ટ્રેઝરી બિલમાં પોતાનું રોકાણ કરી શકશે.
બેન્કિંગ
વિનિયમન અધિનિયમ, 1949ની જોગવાઈ હેઠળ જમા ખાતા, સુરક્ષિત કસ્ટડીમાં રાખવામાં આવેલી
વસ્તુઓ અથવા સુરક્ષિત જમા લોકરો સંબંધિત નામાંકનની સુવિધા ઉપલબ્ધ છે. આરબીઆઈ અનુસાર
નવી પ્રક્રિયાનો હેતુ ગ્રાહકના મૃત્યુ થવા ઉપર દાવાનો ઝડપી ઉકેલ, વસ્તુઓની વાપસી અથવા
સુરક્ષિત જમા લોકરની સામગ્રી પરત અપાવવી અને પરિવારના સભ્યોને થતી પરેશાની ઓછી કરવાનો
છે.