• રવિવાર, 04 મે, 2025

પાક.થી આયાત બંધ : ડાક-પાર્સલ સેવા અટકાવાઈ

મોદી સરકારનો આર્થિક વજ્રધાત : પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં દુશ્મનના વેપારની કમરતોડ કાર્યવાહી : માલવાહક જહાજોને ભારતમાં નો એન્ટ્રી, ત્રીજા દેશના માધ્યમથી પણ વેપાર પર રોક

નવી દિલ્હી, તા.3 : પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન પર એક પછી એક કાર્યવાહીમાં કેન્દ્ર સરકારે હવે પાકિસ્તાનથી તમામ પ્રકારની આયાત બંધ કરીને ડાક-પાર્સલ સેવા પર રોક લગાવી છે. પાકિસ્તાનના એક પણ માલવાહક જહાજને હવે ભારતમાં ઘૂસવા નહીં દેવાય. પાકિસ્તાનથી હવે કોઈ ત્રીજા દેશના માધ્યમથી પણ આયાત થઈ શકશે નહીં. વાઘા-અટારી સરહદે માલસામાનની અવરજવર પહેલેથી જ બંધ કરી દેવાઈ છે. હવે માલવાહક જહાજોના માધ્યમોથી થતાં વેપારને રોકી દેવાયો છે.

ભારત સરકારે શનિવારે રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હિતમાં તાત્કાલિક અસરથી પાકિસ્તાન સાથેની તમામ ચીજોની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારી આદેશમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરી સુધીમાં ભારતથી પાકિસ્તાનને નિકાસ 44.76 કરોડ ડોલરની રહી હતી જયારે આયાત 4.ર લાખ ડોલરની હતી. પાડોશી દેશ સાથે સતત વધી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણયમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારની ટપાલ અને પાર્સલના આદાન-પ્રદાન અટકાવી દીધું છે. આ નિર્ણય હવાઈ તથા જમીની બન્ને માર્ગો પર લાગુ થશે.

મોદી સરકારે શનિવારે પાકિસ્તાન પર આર્થિક વજ્રઘાત કરતાં કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા હતા. પાકિસ્તાનના ઝંડાવાળા જહાજોને ભારતના બંદરો પર નો એન્ટ્રીનું એલાન કરાયું છે. ભારતીય ટપાલ વિભાગે એક નોટિસ જાહેર કરી છે જે મુજબ ભારત સરકારે પાકિસ્તાનથી આવતી તમામ પ્રકારની ટપાલો (ડાક) અને પાર્સલોના આદાન પ્રદાનને સસ્પેન્ડ કર્યુ છે. બન્ને દેશ વચ્ચે આ સેવા લાંબા સમથી ચાલુ હતી. અગાઉ ર019માં પાકિસ્તાને આ સેવા બંધ કરી હતી જે 3 મહિના બાદ બહાલ કરાઈ હતી. ભારતના આ નિર્ણયથી હવે બન્ને દેશ વચ્ચે પત્ર વ્યવહાર, વ્યાપારિક ડાક, વ્યક્તિગત પાર્સલોની લેણદેણ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે. આ ર્ન્ણિયની પારિવારીક અને વ્યાપારિક વ્યવહાર પર અસર જોવા મળશે. લાંબા સમય સુધી જો આ સેવા ઠપ રહી તો તેની પાકિસ્તાનના અર્થતંત્ર પર અસર જોવા મળશે. કારણ કે ભારતથી પાકિસ્તાન આયાત થતી કેટલીક ચીજોનું પરિવહન ડાક સેવાના માધ્યમથી થાય છે.

આતંકીઓના મદદગારોને છોડીશું નહીં : મોદી

નવી દિલ્હી તા.3 : પહલગામ આતંકવાદી હુમલામાં ર6 નિર્દોષ પ્રવાસીની હત્યા બાદ આકરા મિજાજમાં રહેલા વડાપ્રધાન મોદીએ એલાન કર્યુ છે કે આતંકવાદીઓના મદદગારોને છોડીશું નહીં. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી કે અમે આતંકવાદીઓ અને તેમના મદદગારો વિરુદ્ધ સખત અને નિર્ણાયક કાર્યવાહી માટે પ્રતિબદ્ધ છીએ.

વડાપ્રધાન મોદી શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મૈનુઅલને મળ્યા હતા દરમિયાન બંન્ને નેતાએ દ્વિપક્ષીય બેઠક કરતાં અનેક મુદે ચર્ચા કરી હતી. દરમિયાન આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સમર્થન આપવા બદલ વડાપ્રધાન મોદીએ અંગોલાના રાષ્ટ્રપતિ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક