રૂ.5.50 કરોડમાં સોદો કર્યા બાદ અન્યને બારોબાર જમીન વેંચી દેવાઈ: આરોપીઓ સામે નેંધાયો ગુનો
સુરત,
તા.3: સુરતના ડભોલી વિસ્તારમાં રહેતા વેપારી સાથે જમીનનો રૂ. 5.50 કરોડમાં સોદો કર્યા
બાદ જમીન માલીક માતા-પુત્ર તથા પુત્રીએ 2 કરોડ લીધા બાદ અન્ય પાર્ટીને વેચાણ કરી દસ્તાવેજ
બનાવી વેપારી સાથે છેતરાપિંડી આચરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પાલ પોલીસના જણાવ્યા મુજબ ડભોલી, જહાંગીર પુરા બ્રીજ
પાસે પ્રમુખ યોગ ખાતે રહેતા ખેતી કામની સાથે વેપાર ધંધો કરતા ગિરીશભાઈ રમણીકભાઈ ત્રિવેદી
(ઉં. 46) એ વર્ષ 2019માં ચોયાર્સી તાલુકાના ચીચી ગામે આવેલી નવી શરતની જમીનનો જમીન
માલિક લલિતાબેન નાથુભાઈ ઉર્ફે બાલુ ફકીરભાઈ પટેલ (ઉં.79), દીપક નાથુ પટેલ, પન્ના બાલુભાઈ
પટેલની પુત્રી અને ઉત્તમ બાલુભાઈ પટેલની પત્ની, નિતાબેન નાથુભાઈ પટેલની પુત્રી અને
હેમંત મગનભાઈ પટેલની પત્ની સાથે રૂ. 5.50 કરોડમાં સોદો કર્યો હતો. જમીન માલીક માતા-પુત્રી,
પુત્રએ જમીનને નવી શરતમાંથી જૂની શરતમાં હેતુફેર કરવા સહિતના માટે વર્ષ 2022થી
2024 સુધીમાં કુલ રૂ. 2,04,23,760 મેળવી લીધા બાદ ગિરીશભાઈને 28 ઓગસ્ટ 2024ના રોજ જમીનનો
વેચાણ દસ્તાવેજ કરાવી આપવવાની વાત કરી હતી.
આ દરમિયાન
માતા,પુત્રી અને પુત્રએ આ જમીન ગિરીશભાઈની જાણ બહાર બારોબાર જેનિશ ચંદ્રકાંત પટેલ નામના
વ્યકિતને વેચાણ કરી દસ્તાવેજ પણ બનાવી આપ્યો હતો. આ અંગેની જાણ ગિરીશભાઈને ઓનલાઈન એપ્લીકેશન
ચેક કરતા થતા તેઓ ચોકી ઉઠયા હતા. આ અંગે ગિરીશભાઈએ શુક્રવારે ચારેય માતા, પુત્રી, પુત્ર
અને સાક્ષીમાં સહી કરનારાઓ સામે ફરિયાદ નોધાવતા પાલ પોલીસે તમામની વિરુદ્ધ ગુનો નોંધી
તપાસ હાથ ધરી છે.