આંધ્ર હાઈકોર્ટે એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલો કેસ રદ કર્યો
અમરાવતી,
તા.ર : આંધ્રપ્રદેશ હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન અનુસૂચિત જાતિ સમુદાયના લોકોના
ધર્મ પરિવર્તન અંગે મહત્વની ટિપ્પણી કરી છે કે ધર્મ જ બદલી નાંખ્યો હોય તો પછી દલિત
કેવી રીતે ? જે સાથે એસસી-એસટી એકટ હેઠળ નોંધાયેલો કેસ રદ કર્યો હતો.
હાઈકોર્ટે
કહયુ કે જો કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી લે છે તો તેનો એસસીનો દરજ્જો
સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતીમાં તે અનુસૂચિત જાતિ તથા જનજાતિ અધિનિયમ હેઠળ સંરક્ષણનો
દાવો ન કરી શકે. હાઈકોર્ટની એકલ ખંડપીઠમાં જસ્ટિસ હરિનાથે ગુંટૂર જિલ્લાના રહેવાસી
અક્કલા રામી નામના શખસની અરજી પર સુનાવણી કરતાં ઉપરોકત ટિપ્પણી કરી હતી. અક્કલા પર
આરોપ હતો કે તેણે હિન્દુથી ખ્રિસ્તી બનેલા એક ચિંતાદા નામના શખસને જાતિસૂચક ગાળો ભાંડી
હતી.
હાઈકોર્ટ
અનુસાર પોલીસ આરોપી પર એસસી-એસટી એકટ હેઠળ ફરિયાદ નોંધી ન શકે. આ એક્ટ ધર્મ પરિવર્તન
કરી ચૂકેલાઓ માટે નથી. કોર્ટે આરોપી પર નોંધાયેલો કેસ રદ કર્યો હતો. અગાઉ સુપ્રીમ કોર્ટ
પણ કહી ચૂકી છે કે જો કોઈ ખ્રિસ્તી કે મુસ્લિમ વ્યક્તિ માત્ર અનામતનો લાભ લેવા ફરી
પોતાનો ધર્મ બદલે છે તો તે બંધારણ સાથે છેતરપિંડી હશે.