મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટયા: ચારધામ
યાત્રાના થયા શ્રીગણેશ
નવી
દિલ્હી, તા. 30 : વિશ્વ પ્રસિદ્ધ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ અક્ષય તૃતીયાના
અવસરે શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા ખોલી દેવાયા છે. હવે સતત છ મહિના સુધી ગંગોત્રી ધામ
મા ગંગાના દર્શન કરશે. બુધવારે સવારે 10.30 મિનિટે અભિજીત મુહૂર્તમાં શ્રદ્ધાળુઓ દર્શન
કરી શકે તે માટે કપાટ ખોલવામાં આવ્યા હતા. તેમજ પીએમ નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા
કરવામાં આવી હતી.
કપાટ
ઉદ્ઘાટનના મોકે ગંગોત્રી ધામ મા ગંગાના જયકારથી ગુંજી ઉઠયું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી
પુષ્કરસિંહ ધામીએ ગંગોત્રી ધામ પહોંચીને દર્શન કર્યા હતા. યમુનોત્રી અને ગંગોત્રી ધામ
ખુલતા જ ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાના શ્રીગણેશ થયા છે. બુધવારે કપાટ ખુલતા માં ગંગાના
દર્શન માટે દેશના વિભિન્ન પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. તેમજ વિગ્રહ મૂર્તિના
દર્શન કરવાનો લાભ લીધો હતો. આ દરમિયાન પરિસરને અંદાજીત 15 ક્વિંટલ ફૂલથી શણગારવામાં
આવ્યું હતું.