સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા : આતંકીઓની જાસૂસી કરવામાં આવે તો ખોટું શું? વ્યક્તિગત જાસૂસીનાં સવાલ ઉપર વિચાર થઈ શકે
નવી
દિલ્હી, તા.29: પેગાસસ સ્પાયવેરથી જાસૂસીનાં કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આજે
એક મહત્ત્વની ટિપ્પણી કરી હતી કે, જો સરકાર આતંકવાદીઓની જાસૂસી કરાવતી હોય તો તેમાં
ખોટું શું છે? આ સાથે જ અદાલતે એવું પણ સ્પષ્ટ કરી દીધું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા
અને સંપ્રભુતા સાથે જોડાયેલા કોઈપણ પેગાસસનાં અહેવાલ જાહેર નહીં કરવામાં આવે. જો કે
આ સાથે કોર્ટે એવો પણ સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, તે નિજતાનાં ઉલ્લંઘન સંબંધિત પાસાઓનો
વિચાર કરી શકે છે.
જસ્ટિસ
સૂર્યકાંત અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની પીઠે કહ્યું હતું કે, ટેકનિકલ સમિતિનાં રિપોર્ટ
ઉપર સડકો ઉપર ચર્ચા ન થવી જોઈએ. સુનાવણી દરમિયાન અદાલતે કહ્યું હતું કે, એક વાત તો
સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કોઈપણ જાસૂસી-સ્પાયવેર સોફ્ટવેર રાખવામાં કંઈ ખોટું નથી.
રાષ્ટ્રની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે. હા સવાલ એવો ઉપસ્થિત થઈ શકે છે કે, તેનો
ઉપયોગ કોના વિરુદ્ધ કરવામાં આવે છે. જો તેનો ઉપયોગ સામાજિક કાર્યકરો ખિલાફ ઉપયોગ થયો
હોય તો તેનાં ઉપર વિચાર કરવામાં આવી શકે છે. જો આવા જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ આતંકીઓ
સામે થતો હોય તો તેમાં ખોટું શું છે? કોઈપણ રિપોર્ટ જો દેશની સુરક્ષા અને સંપ્રભુતા
સંબંધિત હોય તો તેને સ્પર્શ કરવામાં નહીં આવે પરંતુ વ્યક્તિગત રીતે કોઈ જાણવા માગતું
હોય કે તે આ રિપોર્ટમાં સામેલ છે કે નહીં તો તેની જાણકારી આપી શકાય છે. આમ છતાં આ રિપોર્ટને
એવો દસ્તાવેજ તો નહીં જ બનવા દેવાય જેનાં ઉપર જાહેર રોડ ઉપર ચર્ચા શરૂ થઈ જાય.
ઉલ્લેખનીય
છે કે, પત્રકારો, ન્યાયધીશો, કાર્યકરો અને અન્ય જાહેર જીવનની હસ્તીઓની જાસૂસી કરવા
માટે ભારત સરકારે પેગાસસ જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકાયો હતો. અરજદારોનું
પ્રતિનિધિત્વ કરતાં વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબલે કહ્યું હતું કે, અદાલત પાસે વોટ્સએપ
સહિતનાં પુરાવાઓ છે. કમસેકમ તેની જાણકારી અરજદારોને તો આપી જ શકાય. જેનાં ઉપર કોર્ટે
કહ્યું હતું કે, અરજદાર ફક્ત એટલું પૂછી શકે છે કે, રિપોર્ટમાં તે પણ સામેલ છે કે નહીં?
આવો સવાલ ઉઠાવવામાં આવે તો તેનો જવાબ આપી શકાય.