• રવિવાર, 04 મે, 2025

બગસરાના મોટા મુંજિયાસરની જેમ ડીસાની શાળાના છાત્રોએ પણ હાથ પર કાપા માર્યા

પોલીસ તપાસ, બાળકોનું કાઉન્સેલિંગ કરાયું

અમદાવાદ, તા. 28: બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં સર્જાયેલી ઘટના બાદ હવે ડીસાની રાજપુર પે સેન્ટર શાળામાં પણ વિદ્યાર્થીઓએ હાથ પર ધારદાર વસ્તુ વડે ઘા મારતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. 

રાજપુર પે સેન્ટર શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એકબીજાને ચેલેન્જ આપીને હાથ પર બ્લેડથી કાપા માર્યા હોવાનું જાણવા મળે છે. સ્કૂલના શિક્ષકોએ આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળે છે. શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સાલિંગ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓએ શા માટે કાપા માર્યા હતા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઘટના અંગે જાણ થતા વાલીઓ શાળાએ દોટ મૂકી હતી. પ્રાથમિક શાળામાં આ ઘટના મામલે વાલીઓને યોગ્ય જવાબ મળ્યો નહોતો. યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ ગ્રામપંચાયત દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલો શિક્ષણ વિભાગ પાસે પહોંચ્યો હતો, વિભાગે તપાસના આદેશ આપ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક