• રવિવાર, 04 મે, 2025

ભારતમાં ઘૂસ્યા સશત્ર બાંગ્લાદેશી : BSFએ પરત ધકેલ્યા

બંગાળના દિનાજપુરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ : હુમલામાં એક જવાનને ઈજા, એક ઘૂસણખોર ઝડપાયો : ધારદાર હથિયાર, કટર, લાકડી - ડંડા મળ્યા

કોલકત્તા, તા.પ : પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદે સશત્ર બાંગ્લાદેશીઓએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યા બાદ બીએસએફના જવાનો સાથે ઘર્ષણ બાદ તેમને પરત ધકેલ્યા હતા. હુમલામાં એક જવાનને ઈજા પહોંચી છે જ્યારે એક બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયો હતો.

દક્ષિણ દિનાજપુર જિલ્લામાં સરહદી ગામ મલિકપુરમાં 4-પ જાન્યુઆરીએ રાત્રીના સમયે અચાનક બાંગ્લાદેશ તરફથી ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો. ચોરી - લૂંટ - ધાડ તથા સ્મગલિંગ સાથે સંકળાયેલી ગેંગના સાગરીતોએ ભારતમાં પ્રવેશી જવાનોને ઘેરી તેમના હથિયાર અને વાહન આંચકી લેવા પ્રયાસ કર્યો હતો. રાત્રે પેટ્રોલિંગ પર રહેલા જવાનોએ તેમને આંતરી અટકાવતા સશત્ર હુમલો કર્યો હતો. બીએસએફ એ જવાબી કાર્યવાહીમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. બનાવ સ્થળેથી ઘૂસણખોરોના પડી ગયેલા ધારદાર હથિયાર તથા કાંટાળી વાડ કાપવાનું કટર, લાકડી-ડંડા સહિત સાધનો મળી આવ્યાં હતાં.

બીએસએફના બહાદૂર જવાનોએ તીવ્ર પ્રતિક્રિયા આપતાં ઘૂસણખોરો જીવ બચાવવા બાંગ્લાદેશમાં પરત ભાગ્યા હતા. અથડામણ દરમિયાન બીએસએફના એક જવાનની વર્દી ફાટી ગઈ હતી. બીએસએફ અનુસાર ગાઢ ધુમ્મસ વચ્ચે ફેન્સિંગ કપાયેલી મળી હતી. ત્યાર બાદ સર્ચ વખતે અથડામણ થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક