• સોમવાર, 06 મે, 2024

મોરબીમાં યુવાનની હત્યા મામલે આરોપીને આજીવન કેદની સજા ત્રણ વર્ષ પહેલા સામાન્ય બાબતે છરીનો ઘા ઝીંકતા યુવાનું થયું’તું મૃત્યુ

મોરબી, તા. 23 : મોરબીમાં વર્ષ 2021માં ગાળો બોલવા બાબતે આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ થયું હતું. જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. 

પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં ગત તા. 23-11-2021ના રાત્રીના બારેક વાગ્યે નવઘણ નામના યુવાનનું બાઇક બંધ પડી જતાં અહીં કેમ ઉભો છો કહીને મોહસીન ઉર્ફે ગજની કરીમ ખોખર (ઉં.વ.26, રહે. રામજી મંદિર સામે, લજાઈ, તા. ટંકારા)એ ગાળો આપી હતી. જેથી નવઘણે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને છરી વડે છાતીમાં ઘા મારી દેતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી.

આ કેસ એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજય દવેએ 7 મૌખિક પુરાવા અને 36 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોહસીન ઉર્ફે ગજનીને કસૂરવાન ઠેરવી આજીવન કેદની સખત સજા અને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક