• સોમવાર, 06 મે, 2024

પોરબંદરમાં પરિવારની નજર સમક્ષ ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા હત્યારો ભત્રીજો પણ મારામારીમાં ઘવાયો હત્યા અંગેનું કારણ અકબંધ

પોરબંદર, તા.ર3 (ફૂલછાબ ન્યૂઝ) : પોરબંદરની ચોપાટી નજીક રિલાયન્સ ફુવારા પાસે આધેડની તેના પરિવારજનોની નજર સામે ભત્રીજાએ જ ઘાતકી હત્યા કરી બાદ યુવાને જાતે જ પોતાને છરી મારી દેતા તેને પણ સારવાર માટે સરકારી ભાવાસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ત્યારે આ બનાવમાં મૃતક આધેડના જમાઈએ હત્યાનો ગુનો

નોંધાવ્યો છે. પોરબંદરના ચોપાટી રોડ પર રિલાયન્સ ફુવારા પાસે રહેતા વજુભાઈ મનજીભાઈ વાઘેલા (ઉં.વ.55)ની તેના સગા ભત્રીજા દેવા વેલજી વાઘેલાએ ક્રૂર હત્યા કરી નાખ્યાના આ બનાવની વિગત પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં મૃતક વજુભાઈના જમાઈ રાજકોટ નજીક સરધાર ગામે રહેતા અશોક રામજીભાઈ ચાળમિયા દ્વારા એવા પ્રકારનો ગુનો નોંધાવાયો છે કે, દોઢ વર્ષ પહેલાં તેની સગાઈ ચોપાટી નજીક ફૂટપાથ પર રહેતા વજુભાઈ મનજીભાઈ વાઘેલાની દીકરી સવિતા સાથે થઈ હતી અને અશોક છેલ્લા દસ દિવસથી તેના સસરા વજુભાઈને ત્યાં ચોપાટીએ ફૂટપાથ પર રહેવા આવી ગયો હતો. ગત રાત્રીના તા.22/4ના આઠેક વાગ્યે ફરિયાદી અશોક તથા તેના સસરા વજુભાઈ, વાગ્દત્તા સવિતા, બે સાળા કિશન અને ગોપી વગેરે રિલાયન્સ ફુવારા પાસે ખાટલાના પાયાના ડટ્ટાનું વેચાણ કરતા હતા. ત્યાર પછી સસરા વજુભાઈ ભીખ માગવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પોણા દસ વાગ્યે રિલાયન્સ ફુવારા નજીક બસ સ્ટેશનથી બહાર નીકળવાના ગેટ સામે ફરિયાદીના સસરા વજુભાઈ તેના ભત્રીજા દેવા વેલજી વાઘેલા સાથે મોટેથી બૂમો પાડીને બોલાચાલી કરતા હતા. દેકારાનો અવાજ થતાં ફરિયાદી અશોકભાઈ રામજીભાઈ તથા તેની ભાવિ પત્ની સવિતા અને બન્ને સાળા કિશન અને ગોપી દોડીને ત્યાં ગયા ત્યારે જોયું તો દેવા વાઘેલાના હાથમાં છરી હતી અને તેના વડે વજુભાઈના પગમાં છરીનો ઘા મારતા જોયો હતો અને વજુભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. દરમિયાન દેવો વજુભાઈને રોડ ઉપર ઢસડીને ભાયાભાઈની ચાની કેબિન પાસે ફૂટપાથ ઉપર લઈ ગયો હતો અને ત્યાં જઈને દેવાએ પોતાના હાથમાં રહેલી છરી પોતાની મેળે પોતાના જ પગમાં મારી દીધી હતી.

કોઈએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને ઘાયલ વજુભાઈને ભાવાસિંહજી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આથી અશોક ચાળમિયાએ તેના સસરા વજુભાઈ વાઘેલાનું ખૂન કરનાર દેવા વેલજી વાઘેલા સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક