• શનિવાર, 21 નવેમ્બર, 2026

આજે મધરાતે ગિરનાર પરિક્રમાનો પ્રારંભ

જૂનાગઢ, તા.19 ઃ ગિરનારની પાવનકારી પરિક્રમાનો આવતીકાલે મધરાતે વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભવનાથ તળેટીમાં જનસૈલાબ ઉમટયો છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર, ગુજરાતના માર્ગો જૂનાગઢ તરફ વળતાં રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને શહેરના માર્ગો ઉપર નજર કરો ત્યાં ભાવિકોની કતારો નજરે પડી રહી છે.

છેલ્લાં થોડાં વર્ષોથી તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રવેશદ્વાર બે દિવસ વહેલો ખોલી નખાતા ગીરદી અને ગંદકીથી બચવા માટે લાખો ભાવિકો વહેલી પરિક્રમા શરૂ કરતા હતા. આવા પરિક્રમાર્થીઓ આજ સવારથી જૂનાગઢમાં ઉતરી રહ્યા છે પરંતુ પરિક્રમાનો પ્રવેશ દ્વાર બંધ હોવાથી આવા હજારો ભાવિકો ભવનાથ તળેટીમાં પ્રવેશદ્વાર ખૂલવાની રાહ જોઈ અધીરા બન્યા છે. 

પરંતુ આ વર્ષે સાધુ સંતોએ પરિક્રમાનો પ્રારંભ દેવ દિવાળીની મધરાતે વિધિવત્ રીતે કરવા માગણી અને લાગણી રજૂ કરતા જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ પરિક્રમાનો પ્રારંભ દેવ દિવાળીની મધરાતે જ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. પરિણામે પરિક્રમાનો પ્રવેશદ્વાર વન વિભાગ દ્વારા વહેલો ખોલવામાં આવ્યો નથી, તેથી ભવનાથ તળેટીમાં ભાવિકોનો જનસૈલાબ ઉમટÎો છે.

આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પરિક્રમા પથ ઉપર પીવાનાં પાણીની સમસ્યા તંત્ર માટે પડકારરૂપ બની હતી. પરંતુ વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ પરિક્રમાના 36 કિ.મી.ના માર્ગ ઉપર 33  બોર કરવામાં આવ્યા છે. તેમાં મોટાભાગના બોર સફળ થતાં પ્રથમ વખત નળ પાણીની ઘોડી ખાતે પીવાનું પાણી પહોંચાડવામાં સફળતા મળી છે.

આ વર્ષે પડકારરૂપ પરિક્રમાને સફળતાપૂર્વક પાર પાડવા જિલ્લા કલેક્ટરે 13 સમિતિની રચના કરી છે અને આ તમામ સમિતિઓએ પોતાની કામગીરી પૂર્ણ કરી લીધી છે. તેમાં સલામતી અને સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. વન્ય પ્રાણીઓ ઉપર નજર રાખવા 400 કર્મચારીને ગિરનારમાં ઉતારવામાં આવ્યા છે. ઉપરાંત બે હજારથી વધુ પોલીસ જવાનો ભાવિકોની સુરક્ષા જાળવશે. 

પરિક્રમામાં ભાવિકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢથી તળેટી સુધી 50 એસ.ટી.ની મિનિ બસ ઉપરાંત 400 જેટલી રિક્ષાઓને પાસ આપવામાં  આવ્યા છે અને ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે. તેવી રીતે દૂધ, છાશ અને ગેસ સિલિન્ડરના ભાવો પણ નિર્ધારિત કરાયા છે. 

લીલી પરિક્રમાનો આવતીકાલે મધરાતે વિધિવત્ પ્રારંભ થનાર હોય તેથી આજ સવારથી ટ્રેન, એસટી બસો અને ખાનગી વાહનો મારફત મોટી સંખ્યામાં ભાવિકો જૂનાગઢમાં ઉતરી રહ્યા છે. પરિણામે રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને શહેરના માર્ગો ઉપર નજર કરો ત્યાં ભાવિકોના ટોળા નજરે પડી રહ્યા છે. તળેટીમાં અન્ન ક્ષેત્રો ધમધમવા લાગ્યાં છે.

ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે ગિરનાર પરિક્રમા બંધ રાખવામાં આવી હતી અને આ વર્ષે અપૂરતા વરસાદને કારણે ભાવિકોની સંખ્યા વધે તેવી પૂરી સંભાવના છે. તેને ધ્યાને રાખી પરિક્રમામાં 70થી વધુ સેવાભાવી સંસ્થાઓએ અન્નક્ષેત્રો, ચા-પાણીના પરબ ઉભા કર્યાં છે. તંત્ર દ્વારા પરિક્રમા પથ ઉપર અંજવાળા પાથરવામાં આવ્યા છે. આમ પરિક્રમામાં વર્ષોવર્ષ સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક